ભાજપ હવે ગામડાં ખૂંદશે: ૧૦-૧૧મી ફેબ્રુઆરીએ ગાંવ ચલો અભિયાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ગુજરાતનાં દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં કેન્દ્રની યોજના અનુસાર ‘ગાંવ ચલો અભિયાન’ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ એટલે કે, શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રી રોકાણ અને ભોજન કરશે. પ્રદેશના હોદ્દેદાઓ, રાજ્યના પ્રધાનો, ધારાસભ્યો, તાલુકા, જિલ્લાના હોદ્દેદાઓ પણ આ અભિયાનમાં જોડાશે.
ગાંવ ચલો અભિયાનના સંયોજક હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસનાં કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્ર્વાસ કેળવીને ૨૦૨૪ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુન: સમર્થન મેળવવાનો છે. કેન્દ્રની યોજના અનુસાર ‘ગાંવ ચલો અભિયાન’ યોજાશે. જે અંતર્ગત તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારનાં તમામ બૂથોમાં એક-એક કાર્યકર્તાને જવાબદારી નિશ્ર્ચિત કરીને રાત્રી રોકાણ સહિત ૨૪ કલાક એ કાર્યકર્તાઓએ સોંપેલ ગામ,બૂથમાં ’પ્રવાસી કાર્યકર્તા’ તરીકે જશે. જેમાં પ્રવાસી કાર્યકર્તાઓ ૨૯૧૬૫ અને ક્ધવીનરો ૨૭૫૩૫ એમ કુલ ૫૬૭૦૦ કાર્યકર્તાઓ ‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત ૪૧ જિલ્લા, મહાનગરમાં જશે. પ્રદેશના હોદ્દેદાઓ, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યઓ, તાલુકા, જિલ્લાના હોદ્દેદાઓ પણ આ અભિયાનમાં જોડાશે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તા.૧૦ ફેબ્રુઆરીએ એટલે કે, શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ અને ભોજન કરશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે.