અનામતમાં વધારાને પડકારતી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા: જેડીયુ
નવી દિલ્હી: બિહારમાં તાજેતરમાં જ સામાજિક રીતે પછાત અને વંચિત વર્ગના લોકો માટે અનામતમાં કરવામાં આવેલા વધારાને પડકારતી પટણા હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા જનતા દળ (યુ)-જેડીયુના પ્રમુખ રાજીવ રંજન સિંહ (લાલન)એ વ્યક્ત કરી છે. ગયા અઠવાડિયે આ મામલે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની સુનાવણી જલદી જ હાથ ધરવામાં આવશે એ પ્રકારના અહેવાલને ધ્યાનમાં રાખીને લાલને ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી.
આ બધું ભાજપ જ કરી રહ્યો છે. ભાજપ અનામતવિરોધી પક્ષ છે. સ્થાનિક સંસ્થાકીય ચૂંટણીમાં ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ (ઈબીસી)ના લોકો માટેની અનામતને પડકારવા ભાજપ પાસે અનેક ટેકેદારો છે, પરંતુ ભાજપના આ કાવતરાંનો પર્દાફાશ થયો હતો અને ઈબીસી માટે અનામત બેઠકો સાથે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી.
કોમ આધારિત સર્વેક્ષણના નીતીશકુમાર સરકારે આપેલા આદેશને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ભાજપ ફરી સક્રિય બન્યો હતો. ભાજપના ટેકેદારો દ્વારા કરવામાં આવેલી અરજી મૅરિટ પર ટકી ન શકી ત્યારે કેન્દ્ર સરકારે દખલગીરી કરી હતી અને સોલિસિટર જનરલ ઑફ ઈન્ડિયાએ આ સર્વેનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
આર્થિક રીતે પછાત જાતિના લોકો માટે ૧૦ ટકા અનામત સહિત અનામત બેઠકનું પ્રમાણ વધારીને ૭૫ કરવાના તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણયને કોર્ટ માન્યતા આપશે એવો વિશ્ર્વાસ જેડી (યુ)ના વડાએ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રદાન સુશીલકુમાર મોદીએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં અમારા પક્ષને બદનામ કરવા શાસક મહાગઠબંધન સરકાર વતી અનામતમાં વધારાને પડકારતી જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. (એજન્સી)