નેશનલ

મજબૂત થઈ ભાજપ: દેશભરમાં ધારાસભ્યોની સંખ્યા સર્વોચ્ચ સ્તરે, 1800નો આંકડો વટાવવાની તૈયારી!

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સમગ્ર દેશમાં ધારાસભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. હાલમાં ભાજપના ધારાસભ્યોની કુલ સંખ્યા તેના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જે રાજ્ય સ્તરે પાર્ટીની વધતી જતી રાજકીય તાકાત અને મજબૂત સ્થિતિનું પ્રતીક છે. વર્ષ 2025ની સ્થિતિએ દેશમાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યા 1654 સુધી પહોંચી ગયું છે. પાર્ટીના નેતા અમિત માલવિયએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં ભાજપનું પ્રતિનિધિત્વ તેના ‘સર્વોચ્ચ’ સ્તરે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

અમિત માલવિયએ પાર્ટીની આ પ્રગતિ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એક મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે આગામી બે વર્ષમાં સમગ્ર દેશમાં ભાજપના ધારાસભ્યોની કુલ સંખ્યા 1,800ના આંકડાને સરળતાથી પાર કરી જશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં માલવિયએ ભાજપના આ વિકાસની તુલના કોંગ્રેસ પાર્ટીના ઐતિહાસિક ઉચ્ચ સ્તર સાથે કરી હતી. તેમણે લખ્યું કે આ ગતિએ, ભાજપ આગામી બે વર્ષમાં આરામથી 1,800 બેઠકોનો આંકડો વટાવી જશે.

માલવિયએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી 1985માં આશરે 2,018 ધારાસભ્યોના તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી, જે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ આવેલી ‘પ્રચંડ સહાનુભૂતિની લહેર’નું પરિણામ હતું. તેમણે દલીલ કરી હતી કે 1980ના દાયકાની રાજકીય પરિસ્થિતિઓએ “સત્તાને મજબૂત કરવી અને મતદારોને પ્રભાવિત કરવા” સરળ બનાવ્યા હતા, જ્યારે ભાજપનો ઉદય ધીમે ધીમે અને સતત થયો છે. માલવિયના મતે, આ સતત વિકાસ ભાજપની સંગઠનાત્મક મજબૂતી દર્શાવે છે.

પાર્ટી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે 2014 પછીથી ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં સતત વૃદ્ધિ જોવા મળી છે, જે રાજ્ય સ્તરે તેના વધતા જતા ચૂંટણી પ્રભાવને દર્શાવે છે. 2014માં 1,035 ધારાસભ્યો સાથે શરૂઆત કરીને, આ સંખ્યા 2017માં 1,365 અને ત્યારબાદ 2020માં 1,207 થઈ હતી. આ ઉપર તરફનો ટ્રેન્ડ 2023માં 1,441 અને 2024માં 1,588 સુધી ચાલુ રહ્યો. આખરે, 2025માં આ સંખ્યા વધીને 1,654 ધારાસભ્યો સુધી પહોંચી છે, જે ભાજપની રાષ્ટ્રીય રાજકારણમાં સર્વકાલીન મજબૂત સ્થિતિ સૂચવે છે.

આપણ વાંચો:  લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: અલ ફલાહ ટ્રસ્ટ પર EDની મોટી કાર્યવાહી, દિલ્હીથી ફરીદાબાદ સુધી દરોડા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button