ભદરસા દુષ્કર્મ પીડિત પરિવારોને મળ્યા ભાજપ,સપા અને બસપાના નેતા : સપાએ કહ્યું ગુનેગારની કોઈ જાતિ હોતી નથી
લખનઉ: ભદરસા દુષ્કર્મ મામલામાં સતત સત્તા પક્ષ પર નિશાન સાધી રહેલ સમાજવાદી પાર્ટીએ પોતાનો પક્ષ રાખ્યો છે. પાર્ટી કાર્યાલય પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મંત્રી સહિત તમામ વરિષ્ઠ નેતાઓએ બળાત્કારના દોષિતોને ફાંસી આપવાની માંગ કરી હતી. ઉપરાંત કેસની નિષ્પક્ષ તપાસ અને નિર્દોષ લોકોણી સામે પગલાં ન લેવાય તે સહિતની માંગણીઓ પણ ઉઠાવવામાં આવી હતી. આ સાથે જ BHUમાં અગાઉના બળાત્કારના આરોપીઓના ફોટા મુખ્યમંત્રી અને અન્ય બીજેપી નેતાઓ સાથે બતાવીને સવાલો ઉઠાવ્યા હતા.
પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડેયએ કહ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને જઘન્ય ગુના કરનારાઓને ફાંસી મળવી જોઈએ. સાથે જ ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને સજા અને કાર્યવાહીના નામે તપાસ વિના નિર્દોષ લોકોને ન ફસાવવા જોઈએ. આ સરકારમાં યાદવ અને મુસલમાન જ ગુનેગારોની વ્યાખ્યા બની ગયા છે.
તેમણે કહ્યું કે અયોધ્યાના ખાકી અખાડામાં સાત વર્ષની બાળકી પર બળાત્કાર કરનારાઓ અને તેમાં સામેલ લોકોના ઘર પર આજ સુધી બુલડોઝર નથી ચાલ્યું. બાળકીનો પરિવાર હજુ પણ ન્યાયથી વંચિત છે. મુખ્યમંત્રીને યાદવ અને મુસ્લિમના નામ જ આરોપી દેખાઈ છે. ગુનેગારની કોઈ જાતિ હોતી નથી, તેથી તેને જાતિ સાથે જોડવો જોઈએ નહીં.
આ પણ વાંચો : અયોધ્યા ગેંગરેપ કેસના આરોપી સપા નેતાના ઘર પર બાબાનું બુલડોઝર ચાલ્યું! યોગી સરકાર એક્શન મોડમાં
ભાજપના સભ્યો રવિવારે બળાત્કાર પીડિતાના ઘરે પહોંચ્યા હતા. જેમાં પછાત વર્ગ કલ્યાણ મંત્રી નરેન્દ્ર કશ્યપ, રાજ્યસભા સાંસદ બાબુ રામ નિષાદ અને સંગીતા બળવંત તેમજ શહેરના ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા પણ હાજર હતા. પીડિતના પરિવારને મળીને ભાજપના નેતાઓએ કહ્યું હતું કે પરિવારે કોઈપણ પ્રકારની ધમકીથી ડરવાની જરૂર નથી. જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેમનો સંપર્ક કરો. પૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન પણ પીડિતાના ઘરે પહોંચી હતી અને તે હોસ્પિટલમાં જઈને પીડિતાને પણ મળી શકે છે.
સપાના જિલ્લા અધ્યક્ષ પારસનાથ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી પીડિત પરિવારની સાથે છે. સપાનું પ્રતિનિધિમંડળ પીડિતા અને તેના પરિવારને મળવા માંગે છે પરંતુ જ્યારે એક નેતા તેના પરિવારને મળવા ગયો તો તેની સામે કેસ નોંધવામાં આવ્યો. આવી સ્થિતિમાં વહીવટીતંત્ર તેને કયું સ્વરૂપ આપી દે તેનો કોઈ ભરોસો નથી.
બસપાના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ પાલે કહ્યું કે સમાજવાદી પાર્ટીની સહાનુભૂતિ બળાત્કાર પીડિતા સાથે નહિ પણ તે આવા ઘૃણાસ્પદ કૃત્ય કરનાર ગુનેગારની સાથે છે. ડીએનએ ટેસ્ટ કરાવવાને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે આપેલું નિવેદન તેનું જાગતું ઉદાહરણ છે. બસપાના પ્રદેશ અધ્યક્ષ પીડિતાના ગામમાં ગયા અને જિલ્લા મહિલા હોસ્પિટલમાં તેની માતા અને પીડિતા સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે બસપા પીડિતાના પરિવાર સાથે છે. તેમને તાત્કાલિક ન્યાય મળવો જોઈતો હતો પરંતુ તેમાં વિલંબ રાજ્ય સરકારની કામગીરી સામે પ્રશ્ન ઊભા કરે છે.