
ચંડીગઢ: ચંદીગઢના મેયર પદની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના સંયુક્ત ઉમેદવારનો પરાજય થયો છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ કુમારનો વિજય થયો છે. AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ પરિણામ તેનાથી વિપરીત આવ્યું.
આ ચૂંટણીને INDIA બ્લોકનો લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહી હતી. ગઠબંધન પહેલા જ ટેસ્ટમાં હારી ગયું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણા કાઉન્સિલરોના વોટ રદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કોર્પોરેશનમાં ભારે હોબાળો અને હંગામો થયો હતો.
માહિતી અનુસાર, ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપને 16 વોટ મળ્યા જ્યારે INDIA ગઠબંધન માત્ર 12 વોટ મેળવી શક્યું જ્યારે 8 વોટ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 35 કાઉન્સિલરોમાં 14 કાઉન્સિલર ભાજપના છે જ્યારે આમ આદમી પાર્ટી 13 અને કોંગ્રેસ પાસે 7 કાઉન્સિલર છે. આ ત્રણ પક્ષો ઉપરાંત શિરોમણી અકાલી દળના કાઉન્સિલર પણ છે. આ સિવાય બીજેપી સાંસદ કિરણ ખેરે ચૂંટણીમાં ભાગ લીધો હતો.
અગાઉ આ ચૂંટણી 18 જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ ચંદીગઢના ડેપ્યુટી કમિશનરે છેલ્લી ક્ષણે મેયરની ચૂંટણીની તારીખ 6 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. આ પછી વિરોધ પક્ષોએ કોર્ટનો સંપર્ક કર્યો. અરજી પર સુનાવણી કરતી વખતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મેયરની ચૂંટણી સ્થગિત કરવાના ચંદીગઢ પ્રશાસનના આદેશને રદ કરી દીધો હતો અને કહ્યું હતું કે મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ કરાવવાનો આદેશ આપ્યો હતો.