Lok sabha election: જીતની હેટ્રીક માટે ભાજપનો ‘RAM’ પ્લાન શું અપાવશે 2024માં સફળતા?

નવી દિલ્હી: વિરોધી ગઠબંધન બેઠકો વહેંણીમાં પડ્યું છે. ઇન્ડિયા ગઠબંધનનો બેઠકોની વહેંચણી બાબતે હજી સુધી કોઇ ફોર્મ્યુલા નક્કી થયો નથી. ત્યાં ભાજપે જીતની હેટ્રીકનો પ્લાન બનાવી લીધો છે. આ પ્લાન છે ‘RAM’ પ્લાન. જેમાં R એટલે કે RSS, A એટલે અયોધ્યા અને M નો અર્થ છે મહિલા અને મુસ્લિમ ફેક્ટર. ત્યારે શું ભાજપ ‘RAM’ પ્લાન ને કારણે લોકસભાની ચૂંટણી રુપી કિલ્લો સર કરી શકશે? ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મંગળવારે 9મી જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચ્યા હતાં. યોગી આદિત્યનાથે પહેલાં હનુમાન ગઢી જઇને દર્શન કર્યા. અને ત્યાર બાદ રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી. તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અયોધ્યામાં ચાલી રહેલી તૈયારીની જાણકારી મેળવી હતી. યુપીમાં લોકસભાની 60 બેઠકો છે.
પાડોશી રાજ્ય બિહારમાં પણ રામ મંદિરની ચર્ચા થઇ રહી છે. ત્યાંની 40 બેઠકો દિલ્હીનો રસ્તો વધુ સરળ બનાવી શકે છે. તેથી જ ભાજપ 22 જાન્યુઆરીનો કાર્યક્રમ ભવ્ય-દિવ્ય બનાવવા માટે અયોધ્યાથી દિલ્હી સુધી બેઠકો કરી રહ્યું છે. 14મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાતી બાદ ભાજપ મિશન 2024ને નવી ધાર નવી ઝડપ આપશે. પણ પ્લાનિંગને જીતનો ફોર્મ્યુલા બનાવવા માટે તૈયારીઓની જરુર હોય છે. તેથી જ જે.પી. નડ્ડાની આગેવાનીમાં મંગળવારે દિલ્હીમાં મહાસચિવની મોટી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રણનિતી બનાવવામાં આવી હતી.
2024ની ચૂંટણીમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મુદ્દો મહત્વનો બનવાનો છે. તેથી જ ભાજપે આ કાર્યક્રમને ઐતિહાસીક બનાવવામાં કોઇ કસર બાકી નથી રાખી. અત્યાર સુધી તમને લાગતું હશે કે ભાજપ માત્ર હિન્દુ વોટ પર નજર રાખે છે. પણ એવું નથી. ભાજપની નજર મુસ્લીમ વોટ બેન્ક પર પણ છે. તેના માટે અલગ સ્તર પર કામ ચાલી રહ્યું છે. યુપીમાં 15મી જાન્યુઆરીના રોજ શુક્રિયા મોદી ભાઇજાન કાર્યક્રમ પણ યોજાનાર છે. 2014 હોય કે 2019 વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જીત પાછળ મહિલા વોટર્સનું યોગદાન પણ મહત્વનું છે. અને તેથી જ મંગળવારે ભાજપની મહિલા મોર્ચાની મોટી બેઠક દિલ્હીમાં યોજાઇ હતી. જલ્દી જ વડા પ્રધાન મોદી સાથે મહિલાઓ માટેના એક મોટા કાર્યક્રમની તૈયારી થઇ રહી છે.