રાજ્યસભાની ચૂંટણી: ભાજપે 28 આઉટગોઇંગ સાંસદોમાંથી માત્ર 4ને જ ફરીથી નોમિનેટ કર્યા
નવી દિલ્હીઃ થોડા દિવસમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાશે, પરંતુ તે પહેલા દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટે 26 ફેબ્રુઆરીથી ચૂંટણી યોજાવાની છે. તૃણમૂલ સહિત વિવિધ પક્ષોએ છેલ્લા ઘણા દિવસોથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપના 28 સાંસદનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. આ 28 સાંસદમાંથી માત્ર ચાર સાંસદને જ ભાજપે ફરીથી રાજ્યસભાની ચૂંટણીમાં નોમિનેટ કર્યા છે જ્યારે 24 નવા ઉમેદવારોને નોમિનેટ કરવામાં આવ્યા છે.
આધારભૂત સૂત્રો તરફથી એમ જાણવા મળ્યું છે કે જે સાંસદોને રાજ્યસભાની ચૂંટણીમાં ફરીથી તક આપવામાં આવી નથી તેમાંથી ઘણા લોકસભાની ચૂંટણી લડી શકે છે.
ભાજપના જે ચાર સાંસદને રાજ્યસભાની ચૂંટણીમાં ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા છે, તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, બે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગન તેમ જ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, રાજીવ ચંદ્રશેખર, પુરુષોત્તમ રૂપાલા, નારાયણ રાણે અને વી મુરલીધરનને ભાજપે રાજ્યસભા માટે બીજી વાર નોમિનેટ કર્યા નથી. બીજેપી તરફથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, અનિલ બલુની અને બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીને પણ રાજ્યસભા માટે ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં, જે નેતાઓને રાજ્યસભા માટે ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા નથી, તેઓને આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
નોંધનીય છે કે ટૂંક સમયમાં રાજ્યસભામાં આવનારા ભાજપના 28 સાંસદોમાં પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓમાંથી કોઈ પણ નથી. તેના બદલે, ઘણા લો-પ્રોફાઇલ રાજ્ય સંગઠનાત્મક નેતાઓની પસંદગી કરવામાં આવી છે. અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોના નામ પર નજર કરીએ તો જાણવા મળે છે કે સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપે ગ્રાસરુટ લેવલના કાર્યકરો અને સંગઠન સાથે જોડાયેલા એવા લોકોને પ્રાધાન્ય આપ્યું છે, જેઓ રાજકીય વર્તુળોની બહાર પણ લોકોમાં ઓળખાય છે, જેમાં બિહારની ધર્મશિલા ગુપ્તા, મહારાષ્ટ્રની મેધા કુલકર્ણી અને મધ્યપ્રદેશની માયા નરોલિયાનો સમાવેશ થાય છે.
રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે અને તે જ દિવસે મત ગણતરી થશે. 56 સભ્યોનો કાર્યકાળ એપ્રિલ 2024 માં તેમની નિવૃત્તિ પર સમાપ્ત થવાનો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરીથી નામાંકન શરૂ થશે. રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 16 ફેબ્રુઆરીએ થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યાની વચ્ચે મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે.