નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ચાર બેઠકની ચૂંટણી પણ છે. ભાજપે ગુજરાતના ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે જેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, મયંક ભાઈ નાયક, ડૉ. જશવંત પરમાર અને ગોવિંદભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે.
આ સાથે પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનને અનુક્રમે ઓડિશા અને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલા જ પાર્ટીમાં સામેલ થયેલા અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાંથી અજીત ગોપચાડે, મેધા કુલકર્ણીને પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
પાર્ટીએ બુધવારે 15 રાજ્યોમાં 56 બેઠકો પર યોજાનારી રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાંચ ઉમેદવારોની યાદી બહાર પાડી. માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન મુરુગન ઉપરાંત ભાજપે મધ્યપ્રદેશથી ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જો વૈષ્ણવ અને મુરુગન ચૂંટણી જીતશે તો રાજ્યસભામાં આ તેમનો બીજો કાર્યકાળ હશે. આ બંને ચૂંટણી જીતે તેવી પ્રબળ શક્યતા છે. આ સાથે ગુજરાતમાં કૉંગ્રેસ પાસે વિધાનસભામાં સંખ્યાબળ ન હોવાથી તેઓ ઉમેદવાર જ ઊભા ન કરે તેવી શક્યતાઓ વચ્ચે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવે તેમ પણ બને.
ગુજરાતના અન્ય ઉમેદવારોની વાત કરીએ તો ગોવિંદભાઈ ધોળકીયા સુરતના ખૂબ જ મોટા હીરાના વેપારી છે. જ્યારે મયંક નાયક ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે અને જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણી છે.
Taboola Feed