જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે 58 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે સરદારપુરાથી મહેન્દ્રસિંહ રાઠોડ અને સચિન પાઇલટની સામે અજીત સિંહ મેહતાને મેદાનમાં ઉતાર્યા છે. જયપુરના હવા મહેલથી ભાજપે સંત બાલમુકુંદાચાર્યને ટિકીટ આપી છે.
જ્યારે આ જ બેઠક પર કોંગ્રેસે મહેશ જોશીની ટિકિટ હોલ્ડ પર રાખી છે. ભાજપે 58 ઉમેદવારની .યાદીમાં સાત મહિલા ઉમેદવારોને તક આપી છે. કહેવાઇ રહ્યું છે કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને જોઇને સ્થળ અને જાતિ મુજબ ઉમેદવારો યાદી બનાવી છે. ભાજપે એક તરફ ઘણાં જૂના જોગીઓ તો બીજી તરફ સાવ નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે.
ખીવંસરથી હનુમાન બેનિવાલની સામે ભાજપે રેવત રામ ડાંગાને ટિકીટ આપી છે. રેવત રામ ડાંગા થોડા સમય પહેલાં જ બેનિવાલની પાર્ટી આરએલપીને છોડીને ભાજપમાં જોડાયા હતાં. ડાંગવાની પત્ની મુંડવાથી પ્રધાન છે. તેઓ પણ ડાંગા સાથે ભાજપમાં જોડાયા છે.
ભાજપે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કૈલાશ મેઘવાલની શાહપુરથી ટિકિટ કાપી છે. પાર્ટીએ શાહપુરથી લાલારામ બૈરવાને ટિકીટ આપી છે. મેઘવાલે પાછલાં મહિને જ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની પ્રશંસા કરી હતી. તેમણે ભાજપની વિરુધમાં નિવેદન પણ કર્યું હતું. મેઘવાલ પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના સમર્થક ગણાય છે.
ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સચિન પાઇલટના બે સમર્થકો સુભાષ મીલને ખંડેલાથી અને દર્શન સિંહ ગુર્જરને કરૌલીથી ટિકિટ આપી છે તેવી જ રીતે રાષ્ટ્રીય લોકતાંત્રીક પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ઉદયલાલ ડાંગીને વલ્લભનગરથી ટિકિટ આપી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે 21 ઓક્ટોબરના રોજ બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 83 ઉમેદવારના નામ હતાં. ઉમેદવારનો નિર્ણય નવી દિલ્હી ખાતે 20મી ઓક્ટોબરના રોજ યોજાયેલ પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો.