કર્ણાટકના CM સિદ્ધારમૈયાના રાજીનામાની માંગને લઇને ભાજપનું વિરોધ પ્રદર્શન
બેંગલુરુઃ કર્ણાટકમાં વિપક્ષ ભાજપે ગુરુવારે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના રાજીનામાની માંગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં એક વિશેષ અદાલતે સાઇટ ફાળવણીના કેસમાં તેમના વિરુદ્ધ લોકાયુક્ત પોલીસ તપાસનો આદેશ આપ્યો છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર અશોક અને વિધાન પરિષદના નેતા ચલવાડી નારાયણસ્વામીના નેતૃત્વમાં વિધાન સૌધા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે પ્રદર્શન યોજાયું હતું. અહીં રાજ્ય વિધાનસભા અને સચિવાલયની બેઠક છે. આ પ્રદર્શનમાં પાર્ટીના ઘણા ધારાસભ્યો અને નેતાઓએ ભાગ લીધો હતો. તેઓએ સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરતા સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કર્યું હતું.
બુધવારે અહીંની એક વિશેષ અદાલતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(મુડા) સાઇટ ફાળવણી કેસમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ લોકાયુક્ત પોલીસ તપાસનો આદેશ આપ્યો છે. આ સાથે તેના વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની તૈયારી થઇ ગઇ છે.
વિશેષ કોર્ટના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટનો આ આદેશ હાઇકોર્ટે રાજ્યપાલ થાવરચંદ ગહલોત દ્વારા સિદ્ધારમૈયા સામે તપાસ કરવાની મંજૂરીને માન્ય રાખ્યાના એક દિવસ બાદ આવ્યો છે. સિદ્ધારમૈયા પર આરોપ છે કે તેમણે તેમની પત્ની બી એમ પાર્વતીને મુડા દ્વારા ૧૪ પ્લોટની ફાળવણી કરવામાં ગેરરીતિ આચરી છે.
બુધવારે વિશેષ અદાલતના આદેશ બાદ તરત જ ભાજપના નેતાઓએ મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તેમજ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે આ કેસ સીબીઆઇને સોંપવા કહ્યું હતું.