વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનો એઆઈ વીડિયો: મહારાષ્ટ્ર ભાજપે કૉંગ્રેસની નિંદા સાથે વિરોધ પ્રદર્શનો કર્યા | મુંબઈ સમાચાર
નેશનલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનો એઆઈ વીડિયો: મહારાષ્ટ્ર ભાજપે કૉંગ્રેસની નિંદા સાથે વિરોધ પ્રદર્શનો કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવંગત માતાના એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા વીડિયોને સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાના વિરોધમાં મહારાષ્ટ્ર ભાજપે શનિવારે મુંબઈ અને નાશિકમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.

સત્તાધારી પક્ષે એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના બિહાર એકમ દ્વારા એક્સ પર પ્રસારિત કરાવામાં આવેલા એઆઈ દ્વારા જનરેટ કરાયેલા વીડિયો દ્વારા દેશની બધી માતાઓનું અપમાન કરવામાં આવ્યું છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા, ભાજપના એમએલસી ચિત્રા વાઘે કહ્યું હતું કે, ‘આ ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાનું અપમાન નથી, પરંતુ દેશની બધી જ માતાઓનું અપમાન છે. એવું લાગે છે કે રાહુલ ગાંધીને શિષ્ટાચાર અને વર્તન વિશે શીખવવામાં આવ્યું નથી.’

વાઘે એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ બિહારમાં હાર સ્વીકારી લીધી હોય તેવું લાગે છે અને રાજ્ય માટે તેના ઢંઢેરા અને વચનો વિશે બોલવાને બદલે, તેણે વડા પ્રધાન પર વ્યક્તિગત હુમલા કરવાનો આશરો લીધો છે.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે વિરોધ પક્ષે મોદીની દિવંગત માતાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરાયેલા વિડિયો ક્લિપમાં દેખાડ્યા તે ‘અત્યંત નિંદનીય’ કૃત્ય છે.

નાસિકમાં પણ આવું જ એક વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જ્યાં ભાજપના સ્થાનિક વિધાનસભ્ય દેવયાની ફરાંદેએ આંદોલનકારીઓનું નેતૃત્વ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ વીડિયો કોંગ્રેસ અને તેના નેતૃત્વની હલકી ‘માનસિકતા’ દર્શાવે છે.

‘અત્યંત ઘૃણાસ્પદ છે કે પાર્ટી વડા પ્રધાનને નિશાન બનાવવા માટે આટલી હદે નીચે ઉતરી ગઈ છે. આ ફક્ત એ જ દર્શાવે છે કે કોંગ્રેસનો કોઈ એજન્ડા નથી અને તેઓ પીએમ મોદી સામે વ્યક્તિગત સ્તરે આરોપો લગાવી રહ્યાં છે,’ એમ ફરાંદેએ જણાવ્યું હતું.

મોદીની સ્વર્ગસ્થ માતાનો એઆઈ-જનરેટેડ કથિત વીડિયો બિહાર કોંગ્રેસ યુનિટે 10 સપ્ટેમ્બરના રોજ તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો, જેમાં ‘વડા પ્રધાન તેમની દિવંગત માતાનું સ્વપ્ન જોતા જોવા મળે છે જે ચૂંટણીલક્ષી બિહારમાં તેમના રાજકારણ પર તેમની ટીકા કરી રહી છે.’

બીજી તરફ કોંગ્રેસે એવો બચાવ કર્યો છે કે આ વીડિયોમાં વડા પ્રધાન કે તેમની માતા પ્રત્યે કોઈ અનાદર દર્શાવવામાં આવ્યો નથી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button