ભાજપ પ્રમુખની 20મીએ ચૂંટણી, નીતિન નબિન બિનહરીફ ચૂંટાશે કે મતદાન થશે ? જાણો વિગત

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભાજપ પોતાના નવા રાષ્ટ્રીય પ્રમુખની શોધખોળ કરી રહ્યું છે. 2024માં તત્કાલિન રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. જોકે, હવે તાજેતરમાં ભાજપ દ્વારા નીતિન નબિનને કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથોસાથ ભાજપે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પણ જાહેરાત કરી દીધી છે.
નીતિન નબિન બનશે નવા રાષ્ટ્રીય પ્રમુખ?
19 જાન્યુઆરી, 2026ના રોજ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 19 જાન્યુઆરીના રોજ ભાજપના સભ્યો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. જ્યારે 20 જાન્યુઆરી 2026ના રોજ નવા રાષ્ટ્રીય પ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીને લઈને ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો, પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
હાલ ભાજપના કાર્યકરી રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબિનનું નામ નવા રાષ્ટ્રીય પ્રમુખની રેસમાં આગળ ચાલી રહ્યું છે. તેઓ આ પદના મુખ્ય દાવેદાર છે. નીતિન નબિન બિનહરિફ ચૂંટાઈ શકે છે. તેમની ઉમેદવારી નોંધાવતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નીતિન નબિનના પ્રસ્તાવક તરીકે હાજર રહેશે એવું સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. જો 46 વર્ષીય નીતિન નબિન નવા રાષ્ટ્રીય પ્રમુખ બનશે, તો તેઓ ભાજપના ઇતિહાસના સૌથી યુવાન રાષ્ટ્રીય પ્રમુખ બનશે.
નીતિન નબિન કોણ છે?
નીતિન નબીન બિહારમાં ભાજપના અનુભવી અને મજબૂત નેતા છે. છેલ્લાં 25 વર્ષથી તેઓ પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યાં છે. બિહારની રાજનીતિમાં તેમને બહોળો અનુભવ છે. નીતિન નબીને બિહાર સરકારમાં શહેરી વિકાસ, રોડ, ભવન નિર્માણ જેવા મહત્વની વિભાગો સંભાળી ચૂક્યાં છે.
સૌમ્ય સ્વભાવ ધરાવનારા નીતિન નબીને જનતાની વચ્ચે પહોંચીને અનેક વિરોધો હોવા છતાં જનતા સાથે હળીમળીને સન્માન પણ આપે છે. સાત વખતના વિધાનસભ્ય રહી ચૂકેલા પિતા નવીન કિશોર સિંહનો વારસો પણ જાણવી રાખ્યો છે. પિતાના નિધન પછી પણ પિતાના પગલે પગલે ચાલીને જનતાનો જ નહીં, મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે. તેમને વહીવટી અનુભવ અને સંગઠનાત્મક શક્તિ બંને મજબૂત હોવાના કારણે અત્યારે તેમને કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખનું પદ આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
નવા રાષ્ટ્રીય પ્રમુખ સામે આવશે અનેક પડકાર
ઉલ્લેખનીય છે કે, ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ 3 વર્ષનો હશે. નવા રાષ્ટ્રીય પ્રમુખ સામે પાર્ટીની રણનીતિ, રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તથા આગામી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીને મજબૂત કરવાનો પડકાર રહેશે. જોકે, અગાઉ જે.પી. નડ્ડાને કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા હતા. ત્યારબાદ તેઓની જ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો આ વાતનું પુનરાવર્તન થાય તો નીતિન નબિનની નવા રાષ્ટ્રીય પ્રમુખ બનવાની સંભાવનો રહેલી છે.
આપણ વાંચો: માત્ર ધોરણ 10 જ પાસ હો તો પણ રીઝર્વ બેંકમાં નોકરી મળશે, 50 હજારની આસપાસ પગાર



