નેશનલ

મણિપુરમાં ભાજપ ફરી સરકાર રચવાની તૈયારી! પૂર્વોત્તર પ્રભારી બે ધારાસભ્યને મળ્યા

ઇમ્ફાલઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વોત્તર પ્રભારી સંબિત પાત્રાએ આજે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં કુકી સમુદાયના બે ધારાસભ્ય સાથે મુલાકાત કરી હતી. પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇમ્ફાલ એરપોર્ટ પર ઉતર્યા બાદ પાત્રા હેલિકોપ્ટર મારફતે ચુરાચાંદપુર જવા રવાના થયા. ચુરાચાંદપુરમાં પાત્રા થાનલોનના ભાજપના ધારાસભ્ય વુંગઝાગિન વાલ્ટેને મળ્યા હતા, જેઓ 4 મે, 2023ના રોજ ટોળાના હુમલામાં બચી ગયા હતા.

તેમણે ચુરાચાંદપુરના ધારાસભ્ય એલએમ ખૌતે અને ઝોમી સ્ટુડન્ટ ફેડરેશન (ઝેડએસએફ)ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ઝેડએસએફના નેતાઓએ પાત્રાને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. ભાજપના નેતાએ કુકી ઝો કાઉન્સિલ (કેઝેડસી) અને ઝોમી કાઉન્સિલ (ઝેડસી) ના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જ્યારે પત્રકારો દ્વારા તેમની મુલાકાતના હેતુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના પૂર્વોત્તર પ્રભારીએ કહ્યું કે આ એક અનૌપચારિક મુલાકાત હતી.

આ પણ વાંચો: મણિપુર પોલીસ એકશનમાં, પ્રતિબંધિત સંગઠનોના નવ સભ્યોની ધરપકડ

પાત્રાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તાજેતરમાં મણિપુરના 21 ધારાસભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અલગ-અલગ પત્રો લખીને રાજ્યમાં “લોકપ્રિય સરકાર” બનાવવાની માંગ કરી હતી, જેથી શાંતિ અને સામાન્ય સ્થિતિ ફરીથી સ્થાપિત કરી શકાય. રાજ્યમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

આ પત્રો પર ભાજપના 13 ધારાસભ્યો, નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) ના ત્રણ, નાગા પીપલ્સ ફ્રન્ટના ત્રણ અને બે સ્વતંત્ર ધારાસભ્યોના હસ્તાક્ષર છે. પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલયને આ પત્રો 29 એપ્રિલે મળ્યા હતા.

આ પણ વાંચો: મણિપુરમા ભાજપ લધુમતી મોરચાના પ્રમુખનું ઘર ટોળાએ સળગાવી દીધું, જાણો કારણ…

ધારાસભ્યોએ પત્રમાં લખ્યું હતું કે “અમારું માનવું છે કે મણિપુરમાં લોકપ્રિય સરકારની રચના એ શાંતિ અને સામાન્ય સ્થિતિ ફરીથી સ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો છે.” સૂત્રોએ જણાવ્યું હતું કે ચુરાચાંદપુરથી પાછા ફર્યા બાદ પાત્રા ઇમ્ફાલમાં ભાજપના ધારાસભ્યોને મળશે. પાત્રા અગાઉ ફેબ્રુઆરીમાં મણિપુરની મુલાકાતે ગયા હતા.

કેન્દ્રએ પૂર્વ મુખ્યપ્રધાન એન.બિરેન સિંહના રાજીનામા બાદ 13 ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હતું. મે 2023થી રાજ્યમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે થયેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકો માર્યા ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button