નવી દિલ્હી: આજે ચૂંટણી પંચ દ્વારા ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સહિત અન્ય રાજ્યોની ખાલી ડેલી વિધાનસભા-લોકસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના પરિણામ 23 નવેમ્બરે જાહેર થવાના છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે ભાજપમાં સંગઠનમાં પણ ચૂંટણીની તૈયારીઓ પણ તેજ થઈ ગઈ છે. હકીકતે ભાજપ રાષ્ટ્રીય સ્તરે સંગઠનની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે.
જે. પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. પરંતુ પાર્ટી દ્વારા તેને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર એક્સટેન્સન આપવામાં આવ્યું છે. વળી તેઓ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ છે. જ્યારે ભાજપ હંમેશા એક વ્યક્તિ-એક પદના સિધ્ધાંતની વાત કરતું રહ્યું છે. ત્યારે હવે આવી સ્થિતિમાં તેમના માટે સંગઠનની પસંદગી કરવી જરૂરી બની ગઈ છે.
ભારતીય જનતા પાર્ટીમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પાર્ટી દ્વારા ડૉ. કે.લક્ષ્મણને રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે નરેશ બંસલ, રેખા વર્મા અને સંબિત પાત્રા રાષ્ટ્રીય સહ-ચૂંટણી અધિકારી રહેશે. જેને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી છે. આસ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપને ટૂંક જ સમયમાં નવા અધ્યક્ષ મળી શકે છે. જો કે નવા પ્રમુખને લઈને અનેક નામો ચર્ચામાં છે.
15 ઓક્ટોબરના રોજ પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણીઓ માટે કેન્દ્રીય ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. હવે આ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. બૂથ, જિલ્લા, મંડળ અને રાજ્ય સ્તરે પ્રમુખની ચૂંટણીની તારીખો અનુક્રમે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પરિષદની ચૂંટણી થશે. રાજ્ય પરિષદ પછી પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યો માટે ચૂંટણી થશે. રાજ્ય પરિષદના સભ્યો રાજ્યોના પ્રમુખની પસંદગી કરશે. બાદમાં રાષ્ટ્રીય પરિષદના લોકો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે.