શું પ્રિયંકા ગાંધી પાસેથી સાંસદ પદ છીનવાઈ જશે? આ મામલો કેરળ હાઈકોર્ટ પહોંચ્યો

કોચી: રાહુલ ગાંધીએ ખાલી કરેલી કેરળની વાયનાડ લોકસભા સીટ પર તેમના બહેન પ્રિયંકા ગાંધીએ કોગ્રેસ પાર્ટી તરફથી પેટા ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ બાદ તેઓ પ્રથમ વખત લોકસભાના સભ્ય બન્યા હતાં. પરંતુ હવે લોકસભાની સદસ્યતા સામે સંભવિત સંકટ ઉભું થયું છે. ભારતીય જનતા પાર્ટીના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકાની જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી (BJP challenged Priyanka Gandhi’s elction )છે.
પ્રિયંકા ગાંધી સામે આરોપ:
નોંધનીય છે કે નવ્યા હરિદાસે વાયનાડથી ભાજપની ટિકિટ પર પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તે પ્રિયંકા ગાંધી સામે 5,12,399 મતોથી હારી ગયા હતાં, તેઓ CPIના ઉમેદવાર સત્યન મોકેરી બાદ ત્રીજા ક્રમે રહ્યા. કેરળ હાઈકોર્ટ સમક્ષની તેમની અરજીમાં, હરિદાસે દલીલ કરી છે કે પ્રિયંકા ગાંધીએ તેમનું ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની અને તેમના પરિવારની માલિકીની વિવિધ મિલકતો વિશે મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી.
હરિદાસની અરજીમાં દાવો કરવામાં આવ્યો કે પ્રિયંકા ગાંધીએ મતદારોને ગેરમાર્ગે દોર્યા છે, ખોટી માહિતી આપી અને મતદારોને અંધારામાં રાખ્યા. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે અનેક પ્રસંગોએ મતદારોને અયોગ્ય રીતે પ્રભાવિત કરવા કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.
આ મામલે સુનાવણી જાન્યુઆરી 2025માં થઈ શકે છે. બીજેપી નેતાનું કહેવું છે કે હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રજા હોવાના કારણે કેસની સુનાવણીમાં મોડું થશે.
પ્રિયંકા ગાંધી અને પરિવાર પાસે આટલી સંપતિ:
પ્રિયંકા ગાંધીએ તેમના ચૂંટણી એફિડેવિટમાં કહ્યું હતું કે તેમની પાસે કુલ 4.24 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે કુલ સ્થાવર સંપત્તિ 13.89 કરોડ રૂપિયા છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેમના પતિ રોબર્ટ વાડ્રાની પાસે કુલ 37.91 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ ચૂંટણી એફિડેવિટ મુજબ પ્રિયંકા ગાંધી પર લગભગ 15 લાખ 75 હજાર રૂપિયાની લોન છે.
ઇન્દિરા ગાંધીએ પણ સાંસદ પદ ગુમાવ્યું હતું:
નોંધનીય છે કે પ્રિયંકા ગાંધીના દાદી અને ભારતના પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સામે પણ વર્ષ 1975માં ચૂંટણીમાં ગેરરીતીનો કેસ ચાલ્યો હતો, આ કેસ ઇન્દિરા ગાંધી હારી જતા સાંસદ પદ ગુમાવ્યું હતું. ત્યાર બાદ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
12 જૂન 1975ના રોજ, જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગેરરીતિ માટે દોષિત ઠેરવ્યા. ઇન્દિરા ગાંધી સિંહાએ રાયબરેલી મતવિસ્તારમાં ચૂંટણીને રદ કરી હતી. ન્યાયધીશે ઇન્દિરા ગાંધીને છ વર્ષ સુધી ચૂંટાયેલા હોદ્દા રહેવા પર રોક લગાવી દીધી.