ભાજપના આ સાંસદે એલ્વિશ યાદવ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી…
યુટ્યુબર એલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો અને તેમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ છે. આ મામલામાં મેનકા ગાંધીની એનજીઓએ એલ્વિશ વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરી છે. મેનકા ગાંધીએ પોતે એલ્વિશ યાદવની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. મેનકા ગાંધીએ કહ્યું હતું કે એલ્વિશ યાદવ આ ઘટનામાં કિંગ છે અને તેને બક્ષવામાં ન જોઇએ. આ આખી ઘટના સ્ટિંગ ઓપરેશનના કારણે બહાર આવી જે મેનકા ગાંધીના એનજીઓ સાથે જોડાયેલા લોકોએ કર્યું હતું. હાલમાં નોઈડા પોલીસ એલ્વિશ યાદવને દિલ્હી-NCRમાં શોધી રહી છે અને તેને ફરાર જાહેર કર્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી નવ સાપ મળી આવ્યા હતા અને આ ઘટનામાં પાંચ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એલ્વિશ યાદવ સહિત 6 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જે આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી 5 કોબ્રા,1 અજગર, 1 હોર્સટેલ સાપ મળી આવ્યો છે. આ ઉપરાંત 20 મિલી ઝેર પણ મળી આવ્યું છે. નોઈડા વન વિભાગ અને પોલીસ ટીમ દ્વારા સાપનું ઝેર અને જીવતા સાપ મળી આવ્યા છે. આ લોકોની નોઈડા સેક્ટર 51ના બેન્ક્વેટ હોલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેઓ રેવ પાર્ટી યોજવા માટે સાપ અને તેના ઝેર લઈને આવ્યા હતા.
મેનકા ગાંધીના એનજીઓના સભ્ય ગૌરવ ગુપ્તા વતી પોલીસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ગૌરવ ગુપ્તાએ લખ્યું હતું કે અમને માહિતી મળી હતી કે બિગ બોસ વિનર એલ્વિશ યાદવ રેવ પાર્ટીઓનું આયોજન કરે છે. આમાં તેઓ વિદેશી મહિલાઓને બોલાવે છે અને અને બેન કરેલા સાપ લાવવામાં આવે છે. અને તેમના ઝેરનો પણ ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અમને એવી માહિતી પણ મળી હતી કે એલ્વિશ યાદવ આ પાર્ટીઓમાં જીવંત સાપ સાથે વીડિયો પણ બનાવે છે. આ માહિતી બાદ અમે ગ્રાહક તરીકે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો અને તેના સાથીઓની ધરપકડ કરી હતી. જે છ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમના નામ રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ, રવિનાથ અને એલ્વિશ યાદવ છે. આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની કલમ 9, 39, 48 A, 49, 50, 51 અને IPCની કલમ 120-B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.