ભાજપના સાંસદે પોતાના જ પક્ષની મહિલા ધારાસભ્ય સાથે કર્યુ અસભ્ય વર્તન, કેમેરાની પણ ન કરી પરવા
ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક કાર્યક્રમમાં જાહેરમાં જ ભાજપના સાંસદ સતીષ ગૌતમે ભાજપની જ મહિલા ધારાસભ્ય સાથે અણછાજતું વર્તન કર્યું હતું, તેમના હેરાનગતિથી કંટાળીને અંતે મહિલા ધારાસભ્યે કાર્યક્રમમાં પોતાની બેસવાની જગ્યા બદલાવવી પડી હતી.
અલીગઢમાં કોલ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય અનિલ પરાશર દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગી સરકારના અનેક મંત્રીઓ સહિત અધિકારીઓ તેમજ આસપાસની અન્ય વિધાનસભાના નેતાઓ એક મંચ પર બાજુબાજુમાં બેઠા હતા. આ દરમિયાન સાંસદ સતીષ ગૌતમે તેમની બાજુમાં બેસેલા ભાજપના મહિલા ધારાસભ્ય મુક્તા રાજા સાથે અત્યંત અશોભનીય અને ટીકાને પાત્ર વર્તન કર્યું હતું. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જ્યાં સતીષ ગૌતમ મહિલા ધારાસભ્યના ખભા પકડીને દબાવતા અને હસતા જોવા મળી રહ્યા છે. સાંસદની આવી વર્તણુંકથી કંટાળીને મહિલા નેતા ખૂબ જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને અંતે પોતાની બેઠક બદલાવવાની ફરજ પડી હતી.
ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં લોકો ભાજપ નેતાની વર્તણુંકની આકરી ટીકા કરી રહ્યા છે. જો ચાલુ કાર્યક્રમમાં કેમેરાની પણ પરવા રાખ્યા વગર બિન્દાસ રીતે એક નેતા પોતાના જ પક્ષના નેતા સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય કરતા હોય તો સામાન્ય મહિલાઓના રક્ષણની શું અપેક્ષા રાખવી તેવી લોકો ટિપ્પણી કરી રહ્યા છે.