પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ‘બબાલ’: ભાજપના નેતાઓ પર હિંસક હુમલો, રાહતસામગ્રી વહેંચતા ભોગ બન્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળ હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ, પુર અને ભૂસ્ખલનની સ્થિતિને કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ સમયે જલપાઈગુડી જિલ્લાના નાગરકાટા વિસ્તારમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત અને મદદ માટે પહોંચેલા ભાજપના નેતાઓ પર સ્થાનિક લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું પ્રતિનિધિમંડળ પૂર પીડિતોને રાહત સામગ્રી વહેંચી રહ્યું હતું તે જ સમયે અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, જેમાં ભાજપના સાંસદ અને વિધાનસભ્ય ઘાયલ થયા હતા.
આ હુમલામાં માલદા ઉત્તરના ભાજપના સાંસદ ખગેન મુર્મુ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેમના માથા પર પથ્થર વાગવાથી ઊંડી ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હિંસામાં સિલિગુડીના ધારાસભ્ય ડો. શંકર ઘોષ સહિત અન્ય ભાજપના નેતાઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
બંગાળમાં TMCનું ‘જંગલરાજ’
ભાજપ નેતા અમિત માલવિયાએ આ ઘટના અંગે X પર પોસ્ટ કરી લખ્યું: “બંગાળમાં TMCનું જંગલરાજ! આદિવાસી નેતા અને ઉત્તર માલદાના બે વખતનાં સાંસદ ખગેન મુર્મુ પર TMCના ગુંડાઓએ જલપાઈગુડીના ડુઆર્સ ક્ષેત્રના નાગરકાટામાં હુમલો કર્યો. તેઓ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન બાદ રાહત અને બચાવ કાર્યોમાં મદદ કરવા જઈ રહ્યા હતા, જે લોકો ખરેખર જનતાની મદદ કરી રહ્યા છે, તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ છે TMCનું બંગાળ.”
બંગાળમાં પૂરની સ્થિતિ
બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ છે. ભૂસ્ખલન થવાને કારણે મિરિક-સુખિયાપોખરી માર્ગ સહિતના મુખ્ય માર્ગો પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે અને અનેક પહાડી વસાહતોની સંચાર લાઈનો તૂટી ગઈ છે. ભૂસ્ખલન અને માર્ગો પર અવરોધોને કારણે સમગ્ર વિસ્તારમાં હજારો પ્રવાસીઓ ફસાયેલા છે.
મુખ્યમંત્રીએ પ્રવાસીઓને ખાતરી આપી છે કે રાજ્ય સરકાર તેમને સુરક્ષિત રીતે પરત લાવવાની વ્યવસ્થા કરી રહી છે અને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં અને ત્યાંથી નીકળવાની ઉતાવળ ન કરે.
આ પણ વાંચો…પશ્ચિમ બંગાળના કોલકાતામાં દુર્ગાપૂજા પૂર્વે ભારે વરસાદ, ચાર લોકોના મોત