દરગાહને લઈ ભાજપના નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કરી કંઈક આવી અપીલ

બાગપત: પોતાના નિવેદનોને કારણે છાશવારે ચર્ચામાં રહેનારા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વિધાનસભ્ય નંદ કિશોરે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. મીરાપુર પેટાચૂંટણીના મતદાન પહેલા તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી રાજકીય હલચલ મચી ગઈ છે. તેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
ગાઝિયાબાદ જિલ્લાના લોણીના વિધાનસભ્ય નંદકિશોર ગુર્જરે બાગપતમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે હિંદુઓએ દરગાહ પર જવું જોઈએ નહીં, કારણ કે મજાર/દરગાહમાં જેહાદી દફન છે. મહાકુંભમાં મુસ્લિમોને દુકાનો નહીં ખોલવાની બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું કે હિન્દુઓએ દરગાહમાં નહીં જવું જોઈએ, કારણ કે દરગાહમાં જેહાદીઓને દફનાવવામાં આવ્યા છે, જેણે મહિલાઓ પર અનેક અત્યાચારો કર્યા છે.
આ પણ વાંચો : યોગીના નારા અંગે ભાજપના વધુ એક નેતાએ વ્યક્ત કરી નારાજગીઃ જાણો શું કહ્યું?
ભાજપના વિધાનસભ્યએ કહ્યું હતું કે જો કોઈ હિન્દુ દરગાહ પર જઈને માથું ટેકે છે, તો તેનાથી દુર્ભાગ્યની વાત કોઈ ન હોય શકે. તેમણે કહ્યું કે ઈશ્વરનું સ્વરૂપ એક છે પણ દરગાહની અંદર તો જેહાદીઓને દફનાવાય છે, ત્યાં હિન્દુઓએ જવું જોઈએ નહીં. અખાતી દેશોમાં મુસ્લિમો ભગવાન મહાદેવની પૂજા કરે છે. મુસ્લિમો પણ ભોળાનાથને માની રહ્યા છે. મને આશા છે કે મૌલવી ભગવાન મહાદેવને અભિષેક કરશે. ભારતમાં સનાતન ધર્મનો ઉદય થશે.
આ સાથે તેમણે મંદિરમાં આવતા લોકોની ધાર્મિક ટેસ્ટ કરાવવા અને મંત્રોચ્ચાર કરીને સુન્નતની તપાસ કરવાનું પણ કહ્યું છે. નંદ કિશોર ગુર્જરે કહ્યું કે જો કોઈ મંદિરમાં શંકાસ્પદ જોવા મળે તો તેને મંત્રો બોલાવવામાં આવે અને પછી જો મંત્ર બોલે નહીં તો ચેક પણ કરો.