2024ની તૈયારી: જેપી નડ્ડાએ બોલાવી ભાજપની મહત્વપૂર્ણ બેઠક, 325 સીટો જીતવાનું લક્ષ્ય
નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે ત્રણમાં રાજ્યોમાં પ્રચંડ જીત નોંધાવી હતી. હવે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટીએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 22 અને 23 ડિસેમ્બરે પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ, પ્રદેશ સંગઠન મંત્રી, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી અને તમામ મોરચાના પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં આ બેઠક યોજાશે અને લોકસભા ચૂંટણીમાં 325 બેઠકો જીતવાના લક્ષ્યાંક પર ચર્ચા કરવામાં આવશે.
ગયા મહિને નવેમ્બરમાં પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આ મહિને 3જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. પાંચમાંથી, ભાજપે ત્રણ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જોરદાર જીત મેળવી હતી અને ત્રણેય રાજ્યોમાં મુખ્ય પ્રધાન પદ માટે નવા ચહેરાઓને તક આપી હતી. જે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનું આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ બીજેપીને પછાડવા માટે વિપક્ષી દળોએ સાથે મળીને ઈન્ડિયા એલાયન્સ બનાવ્યું છે. કોંગ્રેસ પાર્ટી આ ગઠબંધનનું નેતૃત્વ કરી રહી છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠક 16 ડિસેમ્બરના રોજ યોજાશે, જેમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા થશે.
લોકસભા ચૂંટણીની આંતરિક બેઠકોમાં જેપી નડ્ડાએ 35 કરોડ મતનો લક્ષ્યાંક રાખ્યો છે. વર્ષ 2019માં ભાજપને લગભગ 22 કરોડ મત મળ્યા હતા.