મારા પિતાને અપમાનિત કરવા માટે રાધોગઢ પહોંચ્યા હતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ
જાણો કોણે કર્યો આવો દાવો

ભોપાલઃ મધ્ય પ્રદેશના ગુના જિલ્લાની રાઘોગઢ બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ કૉંગ્રેસના ઉમેદવાર જયવર્ધન સિંહ પહેલીવાર જનતાને મળ્યા હતા. ગત વખત કરતા ઓછા માર્જિનથી ચૂંટણી જીતેલા કૉંગ્રેસના આ વિધાનસભ્યે જનતાની માફી માંગી હતી અને લોકો સમક્ષ પોતાની ભૂલો સુધારવાનો સંકલ્પ પણ કર્યો હતો.
જયવર્ધને કહ્યું હતું કે 2023ની ચૂંટણીમાં મળેલી જીત તેમની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. પિતા દિગ્વિજય સિંહને અપમાનિત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ રાધોગઢ પહોંચ્યા હતા. રાધોગઢમાં ષડયંત્ર દ્વારા બહારના લોકોને વસાવવામાં આવ્યા છે. ભાજપ રાધોગઢ બેઠક કબજે કરવાની યોજના બનાવી રહ્યું હતું.
કોંગ્રેસ વિધાન સભ્ય જયવર્ધન સિંહે જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ તેમને દિલ્હીથી ફોન આવ્યો હતો. ફોન કરનાર ભાજપની નજીકનો વ્યક્તિ હતો. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આખરે જયવર્ધન ચૂંટણી કેવી રીતે જીત્યા? ભાજપે ચૂંટણીમાં જયવર્ધનને હરાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.
જયવર્ધને પોતાની જાતને જ ઓછા માર્જિનથી ચૂંટણી જીતવા માટે દોષી ઠેરવી હતી. જયવર્ધને કહ્યું હતું કે ઓછા માર્જિનનો દોષ તેમના પોતાના પર જ હોવો જોઈએ, તેમણે લોકોને જણાવ્યું હતું કે જો છેલ્લા 10 વર્ષમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને માફ કરી દો. હવે અમે ભૂલોમાંથી શીખીને લોકોના પ્રશ્નો હલ કરીશું. ગામડે-ગામડે જઈને મતદારોનું ધ્યાન રાખીશું.
જયવર્ધન સિંહે તેમના હરીફ અને ભાજપના ઉમેદવાર હિરેન્દ્ર સિંહ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ નકારાત્મક રાજનીતિમાં માને છે. ધમકાવનાર અને નકારાત્મક રાજનીતિ કરનાર દુષ્ટ હોય છે. કર્તવ્ય, ધર્મ અને હિંમતથી કામ કરનારને કોઈ હરાવી શકતું નથી. મારાથી જે પણ ભૂલો થઈ છે, તેના માટે માફ કરશો.
નોંધનીય છે કે કૉંગ્રેસી નેતા જયવર્ધન સિંહ માત્ર 4505 વોટથી ચૂંટણી જીત્યા છે. 2018ની ચૂંટણીમાં જયવર્ધન સિંહે 43 હજારથી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. ભાજપે વ્યૂહાત્મક રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધનને ઘેરી લીધા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે રાધોગઢ સીટના પ્રભારી હતા અને ચૂંટણી દરમિયાન પળપળની ખબર રાખતા હતા અને સમાચાર લેતા હતા. રાધોગઢ કિલ્લાને ઘેરવામાં પણ ભાજપને અમુક અંશે સફળતા મળી હતી. નજીવા માર્જિનથી જીત્યા બાદ લોકોને અભિનંદન આપવા જયવર્ધન જનતાની વચ્ચે પહોંચ્યા હતા.
એટલું જ નહીં પૂર્વ પ્રધાન અને કોંગ્રેસના વિધાનસભ્ય જયવર્ધન સિંહે સનસનીખેજ દાવો કરતા કહ્યું હતું કે મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન બની ગયા હોવા છતાં. મધ્યપ્રદેશમાં ભાજપનો સૌથી મોટો ચહેરો શિવરાજ સિંહ ચૌહાણ જ રહેશે.