વરુણ ગાંધી કરશે 'માતૃ સેવા', નહીં લડે લોકસભા ચૂંટણી, અટકળો પર આખરે મુકાયું પૂર્ણવિરામ | મુંબઈ સમાચાર
નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

વરુણ ગાંધી કરશે ‘માતૃ સેવા’, નહીં લડે લોકસભા ચૂંટણી, અટકળો પર આખરે મુકાયું પૂર્ણવિરામ

નવી દિલ્હી: વરુણ ગાંધીને (Varun Gandhi) લઈને ચાલતી તરહ તરહની અટકળો પર આજે આખરે પૂર્ણવિરામ મુકાય જ ગયું છે. ભાજપમાંથી પોતાની ટિકિટ કપાતા જ વિવિધ અટકળોએ જોર પકડ્યું હતું કે વરુણ ગાંધી અપક્ષ ચૂંટણી લડશે કે પછી અન્ય કોઈ પાર્ટીનો છેડો પકડીને ચૂંટણી મેદાને ઉતરશે. પરંતુ આજે તેની ટીમે જાહેર કરી દીધું છે કે વરુણ ચૂંટણી નહીં લડે અને માતા મેનકા ગાંધી (Menka Gandhi) માટે સુલતાનપુરમાં ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપશે.

આ પહેલા ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ ચૌધરી ભૂપેન્દ્ર સિંહે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ થવા પર કહ્યું હતું કે ‘આ વખતે પાર્ટીએ તેમને ચૂંટણી લડવાની તક આપી નથી, પરંતુ તેઓ અમારી સાથે છે. પાર્ટી નેતૃત્વએ તેમના વિશે કંઈક સારું વિચાર્યું હશે.’ અધીર રંજન ચૌધરીએ વરુણને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપતાં ભૂપેન્દ્ર સિંહે કહ્યું, ‘વરુણ ગાંધી ભાજપના સાચા સૈનિક છે. તેઓ ભાજપમાં જ રહેશે તેવો પૂરો વિશ્વાસ છે. તેઓ ગાંધી પરિવારમાંથી આવે છે અને ભાજપે તેમને ત્રણ વખત સાંસદ બનાવ્યા હતા.’ જ્યારે અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે વરુણ ગાંધી પરિવારના છે, તેથી ભાજપે તેમની ટિકિટ રદ કરી છે.

અધીર રંજન કહે છે કે, ‘વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાય જવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં આવે છે તો અમને ખુશી થશે. વરુણ એક કદાવર અને ઘણા કાબેલ નેતા છે. ગાંધી પરિવાર સાથે સબંધ ધરાવવાથી તેની ટિકિટ રદ કરવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે હવે તે કોંગ્રેસમાં સામેલ થઈ જાય.’

છેલ્લા કેટલાક વર્ષોમાં વરુણ ગાંધી પોતાની જ સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યા હતા. ક્યારેક તેઓ કેન્દ્રની મોદી સરકાર પર તો ક્યારેક રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધતા હતા. એવું માનવામાં આવે છે કે પાર્ટી લાઇનથી અલગ સ્ટેન્ડ લેવાને કારણે તેમની સ્થિતિ નબળી પડી ગઈ હતી અને ભાજપે તેમને કોઈ મોટી જવાબદારી સોંપી ન હતી.

આપને જણાવી દઈએ કે વરુણ ગાંધી વર્ષ 2004માં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીએ પ્રથમ વાર તેને પીલીભીતથી ટિકિટ આપી હતી અને ત્યાં સાંસદ બન્યા. વર્ષ 2013માં વરુણ ગાંધીને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. 2014માં, પાર્ટીએ વરુણને તેની માતા મેનકા ગાંધીની બેઠક સુલતાનપુરથી મેદાનમાં ઉતાર્યા હતા. મેનકા પોતે પીલીભીતથી ચૂંટણી લડ્યા હતા. બંને પોતપોતાની સીટ પરથી જીત્યા હતા. 2019માં ભાજપે ફરીથી બંનેની સીટો બદલી. મેનકા સુલતાનપુર આવ્યા અને વરુણ પીલીભીત પાછા ગયા. માતા અને પુત્ર પોતપોતાની સીટ પરથી જીત્યા.

જ્યારે ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન રાહુલ ગાંધીને તેના પિતરાઈ ભાઈનું કોંગ્રેસમાં પાછા ફરવા પર પુછવામાં આવ્યું હતું ત્યારે રાહુલે જવાબ આપ્યો હતો કે અમારી વિચારધારા અલગ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘તેમણે (વરુણ ગાંધી) કોઈક સમયે, કદાચ આજે પણ, તે વિચારધારાને (ભાજપની વિચારધારા) સ્વીકારી અને તેને પોતાની બનાવી લીધી. હું એ વાત ક્યારેય સ્વીકારી શકતો નથી. હું ચોક્કસપણે તેને મળી શકું છું અને તેને ગળે લગાવી શકું છું, પરંતુ તે જે વિચારધારા સાથે સંકળાયેલ છે તેને હું સ્વીકારી શકતો નથી. તે મારા માટે અશક્ય છે.’

Back to top button