રામલીલામાં ભાજપના નેતાની ‘દબંગાઈ’: રૂપિયા ઉડાવવાનો વિરોધ થતાં ભાજપ નેતાએ કમર પરથી પિસ્તોલ કાઢી

લખનઉ: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં ભાજપ નેતાની દબંગાઈનો કિસ્સો સામે આવ્યો હતો. ભાજપ યુવા નેતા ગ્રામીણ મંડળના નેતા મંત્રી અમિતેશ શુક્લાને એક ગામમાં ચાલી રહેલા રામલીલા કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. ભાજપ નેતા અમિતેશ શુક્લા નશાની હાલતમાં રામલીલા પહોંચ્યા હતા.
રામલીલાના કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા રૂપિયા ઉડાવવા લાગ્યા હતા, જેનો રામલીલાના આયોજકોએ વિરોધ કર્યો હતો. ભાજપના નેતા અમિતેશને આ વિરોધ પસંદ ન આવ્યો. જેના કારણે ભાજપના નેતાએ રામલીલા કમિટીના એક સભ્યને પોતાની કમરમાં ખોસેલી પિસ્તોલ બતાવીને ખૂબ ધમકાવ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતાએ કહ્યું કે, ગોળી મારીશ તો કોઈ બચાવી નહીં શકે.
આ ઘટનાનો વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસને જ્યારે આ વીડિયોની જાણ થઈ, ત્યારે તેમણે વીડિયોની તપાસ કરાવી. ત્યાર બાદ, પોલીસે મોડી રાત્રે ભાજપ નેતાના ઘરે દરોડા પાડ્યા અને પિસ્તોલ જપ્ત કરી લીધી હતી. પોલીસે ભાજપના નેતા અમિતેશ શુક્લાની ધરપકડ કરી લીધી હતી. પોલીસની ટીમ ભાજપ નેતાની પૂછપરછ કરી રહી છે. આ રીતે પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવાથી રામલીલા ગ્રાઉન્ડમાં ડરનો માહોલ સર્જાયો હતો.