જૌનપુરમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાહુબલી ધનંજય સિંહની પત્ની સામે લડ્યા હતા ચૂંટણી
લખનઊઃ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રમોદ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તે ચૂંટણીમાં સપાના ઉમેદવાર પારસ નાથ યાદવ મલ્હાનીથી જીત્યા હતા, જ્યારે બાહુબલી ધનંજય સિંહની પત્ની જાગૃતિ સિંહ બીજા ક્રમે રહી હતી. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની સામે આરોપો ઘડવામાં આવ્યા નથી.
મળતી માહિતી મુજબ આ ઘટના જૌનપુરના બક્સા પોલીસ સ્ટેશન વિસ્તારના બોધાપુર વિસ્તારમાં બની હતી. અહીં અજાણ્યા બદમાશોએ બીજેપી નેતા પ્રમોદ યાદવને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે ગત બુધવારે જ પૂર્વ સાંસદ અને બાહુબલી ગણાતા ધનંજય સિંહને અપહરણ અને ખંડણી કેસમાં સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ સાથે MP-MLA કોર્ટે તેના પર 50 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. મંગળવારે તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને વિવિધ સ્થળોએ ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. પ્રમોદ યાદવની હત્યા કરનાર બદમાશની શોધ ચાલી રહી છે.