CJI તરફ જૂતું ફેંકનારના BJP નેતાએ વખાણ કર્યા, પણ વિરોધ થતાં ગળી માફી | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

CJI તરફ જૂતું ફેંકનારના BJP નેતાએ વખાણ કર્યા, પણ વિરોધ થતાં ગળી માફી

બેંગલુરુ: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈ તરફ જૂતું ઉછાળવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરના વખાણ કરવા બદલ બેંગલુરુના પૂર્વ પોલીસ કમિશનર અને ભાજપના નેતા ભાસ્કર રાવ વિવાદમાં સપડાયા હતા. જોકે, સોશિયલ મીડિયા પર તીવ્ર આલોચના થયા બાદ રાવે પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી હતી. આ ઘટનાના સંદર્ભમાં વકીલ રાકેશ કિશોર વિરુદ્ધ બેંગલુરુમાં FIR પણ નોંધવામાં આવી છે.

વખાણ કરતી પોસ્ટ

ભાસ્કર રાવે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “ભલે આ કાયદાકીય રીતે બહુ ખોટું હોય, પરંતુ હું આ ઉંમરે પણ તમારા સાહસની પ્રશંસા કરું છું કે તમે પરિણામોની પરવા કર્યા વિના એક વલણ અપનાવ્યું અને તેના પર કાયમ રહ્યા.” રાવની આ પોસ્ટ પર અનેક ‘X’ યુઝર્સે તીખી પ્રતિક્રિયા આપી હતી. એક યુઝર નીતિન શેષાદ્રિએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, “માન્યવર, મને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી. શું આ નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેના મુકદ્દમામાં તેમના બચાવમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા જેવી નહોતી?” અન્ય એક યુઝરે બેંગલુરુ પોલીસને ટેગ કરીને આ પોસ્ટ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

માફી માગવી પડી

સોશિયલ મીડિયા પર વધેલા આક્રોશને જોતા, ભૂતપૂર્વ IPS અધિકારી ભાસ્કર રાવે બુધવારે બીજી પોસ્ટ કરીને પોતાના અભિપ્રાય માટે માફી માંગી હતી. રાવ દ્વારા જારી કરાયેલા માફીનામામાં તેમણે કહ્યું કે, “મારી પ્રતિક્રિયા આશ્ચર્ય અને આઘાતથી ભરેલી હતી કે એક વ્યક્તિ આટલો શિક્ષિત, વૃદ્ધ અને અનુભવી હોવા છતાં એક ભયાનક અને કાયદાકીય રીતે ખોટા કાર્યના પરિણામોને સંપૂર્ણપણે જાણતા હોવા છતાં આવું કૃત્ય કરી રહ્યો છે.” તેમણે સ્પષ્ટતા કરી કે, “મેં ન તો સુપ્રીમ કોર્ટ, ન જ મુખ્ય ન્યાયાધીશ કે કોઈ સમુદાયનું અપમાન કર્યું છે. જો મારી પોસ્ટથી કોઈને ગુસ્સો આવ્યો હોય કે ઠેસ પહોંચી હોય, તો મને ખેદ છે.”

ઉલ્લેખનીય છે કે, રાકેશ કિશોર નામના 71 વર્ષીય વકીલે સોમવારે કોર્ટની કાર્યવાહી દરમિયાન કથિત રીતે શિષ્ટાચારનું ઉલ્લંઘન કરીને CJI ગવઈ તરફ જૂતું ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો. ભાસ્કર રાવે અગાઉ ચામરાજપેટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તેમની હાર થઈ હતી.

આ પણ વાંચો…‘તમારા અસીલો ઝડપથી નારાજ થઈ જાય છે’; સુનાવણી દરમિયાન CJI ગવઈએ આવું કેમ કહ્યું?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button