ટોપ ન્યૂઝનેશનલ

ભાજપના વરિષ્ઠ નેતા LK Advani ની તબિયત લથડતા દિલ્હીની AIIMS માં દાખલ

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની( LK Advani) તબિયત લથડતા તેમને દિલ્હીની એઇમ્સમાં (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, તેમને AIIMS ના જેરિયાટ્રિક વિભાગના ડોકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 96 વર્ષીય અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેથી, સમયાંતરે તેઓનું ઘરે તપાસ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે તેમને થોડી સમસ્યા અનુભવાઈ ત્યારબાદ તેમને તાત્કાલિક એઈમ્સમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ તેમની દેખરેખ હેઠળ તેમને દાખલ કર્યા. હાલ તેમની તબિયત સારી હોવાનું કહેવાય છે.

ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો

અડવાણીને આ વર્ષે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અડવાણી તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા, તેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 30 માર્ચે તેમના નિવાસસ્થાને જઈને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણીના પરિવારના સભ્યોએ ઔપચારિક સમારોહમાં હાજરી આપી હતી.

વર્ષ 2015માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા

અગાઉ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. લાલ કૃષ્ણ અડવાણી 2002 થી 2004 સુધી ભારતના 7મા નાયબ વડાપ્રધાન હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સહ-સ્થાપકોમાંના એક અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સભ્ય છે. લાલ કૃષ્ણ અડવાણી 1998 થી 2004 સુધી સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button