નેશનલ

રાંચીમાં ભાજપના દિગ્ગજ નેતાની ધોળે દિવસે ગોળી મારીને હત્યા, એક જણ ઝડપાયો

રાંચી: ઝારખંડની રાજધાની રાંચીમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતનાં સભ્ય અનિલ ટાઈગરની (Anil Tiger)ગોળી મારીને હત્યા (murder) કરી દેવામાં આવી છે. આ ઘટના બુધવારે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને કારણે ભીડભાડવાળા કાંકે ચોકમાં દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો: હરિયાણામાં JJP નેતાની ગોળી મારી હત્યા, ઘટનાના 2 કલાક પહેલા કરી હતી FB પોસ્ટ…

ધોળા દિવસે BJP નેતાની હત્યા

પ્રાપ્ત વિગતો અનુસાર ઝારખંડના પાટનગર રાંચીના કાંકે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે ચારેક વાગ્યા આસપાસ અજાણ્યા શખ્સોએ ભૂતપૂર્વ જિલ્લા પંચાયતનાં સભ્ય અનિલ ટાઇગરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની વધુ તપાસ શરૂ કરી હતી.

જમીન વિવાદમાં હત્યાની ચર્ચા

ઘટના બાદ કેસની તપાસમાં લાગેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ અને ઘટનામાં વપરાયેલી બાઇક પણ પોલીસે કબજે કરી છે. મળતી વિગતો અનુસાર અનિલ ટાઈગરની હત્યા જમીનના વિવાદમાં કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, હાલમાં આ સમગ્ર મામલો પોલીસ તપાસનો વિષય છે. આ મામલાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ પોલીસ કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચશે.

સમર્થકોમાં રોષ

રાંચીમાં ધોળા દિવસે થયેલી હત્યાને લઈને અનિલ ટાઇગરના સમર્થકોમાં રોષ છે. હત્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને થોડી જ વારમાં રસ્તો બ્લોક કરી દીધો હતો. આથી રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી અને રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button