ભાજપનું હવે ૧૬ રાજ્યમાં શાસન
નવી દિલ્હી: દેશના ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના રવિવારે જાહેર કરાયેલા પરિણામને પગલે ભાજપનું શાસન હવે ૧૨ રાજ્ય – ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થઇ જશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલૅન્ડ અને સિક્કિમ એમ ચાર રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળની યુતિ સરકાર છે એટલે કુલ ૧૬ રાજ્યમાં તેના હાથમાં સત્તા હોવાનું કહી શકાય.
કૉંગ્રેસ હવે માત્ર ત્રણ રાજ્ય – કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગણામાં સત્તા પર હશે.
આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર દિલ્હી અને પંજાબમાં છે.
ભાજપે રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે.
કૉંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પાસેથી તેલંગણાની સત્તા છીનવી લીધી છે.
કૉંગ્રેસ પક્ષ દેશનો સૌથી મોટો વિપક્ષ છે, જ્યારે વિપક્ષોમાં બીજા ક્રમે આમ આદમી પક્ષ છે.
દેશમાં હાલમાં છ (ભાજપ, કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, માર્ક્સવાદી પક્ષ, નેશનલ પીપલ્સ પાર્ટી અને આમ આદમી પાર્ટી) રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષ છે.
હવે ૨૦૨૪માં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી બાકી છે.
હાલમાં વિધાનસભાની ચૂંટણી લડનારા અનેક નેતા ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી પણ લડશે.
સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં જ યોજાવાની હોવાથી હાલમાં વિધાનસભ્ય પણ બનેલા કેટલાક સાંસદોની બેઠક પર હાલમાં પેટાચૂંટણી નહિ યોજાય. (એજન્સી)