ભાજપ જાતિ, ધર્મ અને પંથના નામે દેશના ભાગલા કરી રહ્યું છે: રાહુલ ગાંધી
ઇટાનગર: કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શનિવારે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ પ્રવેશતાની સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ડોઈમુખના રહેવાસીઓ સાથે વાતચીત કરતી વખતે, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યો કે ભાજપ લોકોને ધર્મ અને ભાષાના નામે એકબીજાને લડવા માટે ઉશ્કેરે છે. આમ, રાહુલે BJP પર જાતિ, સંપ્રદાય અને ધર્મના નામે દેશના ભાગલા કરવાનો આરોપ લગાવ્યો હતો.
વધુમાં ભાજપ પર આક્ષેપો કરતાં તેને કહ્યું કે, “ભાજપ મુષેકળીઓનો સામનો કરતાં લોકોના હિત માટે નહીં પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓના હિત માટે કામ કરે છે, બીજી તરફ કોંગ્રેસ લોકોને એક કરવા અને તેમના ભલા માટે કામ કરે છે.કોંગ્રેસના નેતાએ કહ્યું કે 6,713 કિમી લાંબી ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો ઉદ્દેશ્ય “ઉત્તર-પૂર્વીય વિસ્તારના લોકોના દુઃખને ઉજાગર કરવાનું છે “
રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. ગાંધીએ કહ્યું, “અમે (કોંગ્રેસ) અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપ્યો છે અને અમારો પક્ષ ગરીબોના મુદ્દા ઉઠાવવા અને યુવાનો, મહિલાઓ અને સમાજના નબળા વર્ગોના ભલા માટે કામ કરવા હંમેશા તૈયાર છીએ.”
દેશમાં મોંઘવારીને લઈને પણ ભાજપ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના રાજમા ન તો સરકાર લોકોના પ્રશ્નો સાંભળવા તૈયાર છે ન તો મીડિયા તેના પ્રશનો ઉજાગર કરે છે. યાત્રા દરમ્યાન હું ઘણી જગ્યાએ લોકોને મળું છું અને તેના દુખ દર્દ સાંભળું છું.
અગાઉ કોંગ્રેસના અરુણાચલ પ્રદેશ એકમના અધ્યક્ષ નબામ તુકીએ પાપુમ પારે જિલ્લાના ગુમટો ચેક ગેટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું અને ત્યાં ધ્વજ અર્પણ સમારોહ યોજાયો હતો. તુકી અને કોંગ્રેસના આસામ એકમના અધ્યક્ષ ભૂપેન બોરા વચ્ચે ધ્વજ સોંપવા સંબંધિત સમારોહ યોજાયો હતો અને આ પ્રસંગે બંને રાજ્યોના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
પરંપરાગત “નયશી” ટોપી પહેરીને, ગાંધી પાર્ટીના સેંકડો કાર્યકરો સાથે દોઇમુખ પહોંચ્યા જ્યાં તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ડોઈમુખથી ગાંધી બસ દ્વારા નાહરલાગુન પહોંચ્યા અને ત્યાંના શેરી વિક્રેતાઓ સાથે વાત કરી.