લોકસભામાં પણ ભાજપ ત્રણ રાજ્યોવાળી કરશે? સાંસદો, પ્રધાનોને ટિકીટ કપાવવાનો ડર
નવી દિલ્હી: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપે નવા ચહેરાની રણનિતી અપનાવી હતી અને તેમાં ભાજપને બહોળી સફળતા મળી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ આ ત્રણ રાજ્યોવાળી કરશે? શું લોકસભામાં પણ જૂનાજોગીઓની ટિકીટ કપાશે? નવા ચહેરાઓને તક મળશે? આવી અનેક ચિંતાઓ હવે ભાજપના પ્રધાનો અને સાંસદોને સતાવી રહી છે.
કેન્દ્ર સરકારમાં આવેલ વરિષ્ઠ કેન્દ્રિય પ્રધાનો અને દિગ્ગજ સાંસદોને 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉંમર અથવા તો કામગીરીના આધારે ટિકીટ કપાય તેવી ચિંતા સતાવી રહી છે. જ્યારે રાજ્યસભાના સાંસદોને લોકસબાની ચૂંટણી લડવાનું કહેવામાં આવી શકે છે એવો ડર તેમને લાગી રહ્યો છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાના સાત સાંસદોને ઉમેદવારી આપવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રલ્હાદસિંહ પટેલ, રેણુકા સિંહને કેન્દ્રીય પ્રધાન પદ છોડીને રાજ્યમાં મોકલવામાં આવ્યા હતાં.
આ જોઇને કેન્દ્ર સરકારમાં આવેલ પીઢ પ્રધાનો અને સાંસદોના મનમાં ડર બેસી ગયો છે. એક પણ સાંસદ પોતાને ટિકીટ મળશે અને પોતાની સરકાર સ્થાપીત થયા બાદ તેમને કેન્દ્રીય પ્રધાન પદ મળશે એવો દાવો કરવાની સ્થીતીમાં નથી. આ બધા માટે ભાજપ અને આરએસએસની પીઢી બદલોની નિતી જવાબદાર છે. જે અંતર્ગત યુવા ચહેરાઓને આગળ લાવી તેમને મોટી જવાબદારી આપવાનો વિચાર છે.
ત્રણ રાજ્યોમાં ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે ભાજપને એવો વિશ્વાસ છે કે આગામી લોકસભામાં ભાજપની જ સરકાર બનશે. લોકો ફરી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે જોવા માંગે છે. ત્યારે હવે ચહેરો કોઇ પણ હોય સામાન્ય મતદાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખીને મતદાન કરી રહ્યો છે.