ભાજપ-‘ઇન્ડિયા’ રાઉન્ડ પહેલો: ૩-૪થી વિપક્ષ આગળ
પેટાચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠક જીતી: કૉંગ્રેસ, તૃણમૂલ, સમાજવાદી, જેએમએમને એક-એક બેઠક મળી
લખનઊ / અગરતાલા: છ રાજ્ય વિધાનસભાની સાત બેઠક માટેની પેટાચૂંટણીના શુક્રવારે જાહેર થયેલા પરિણામ મુજબ ભાજપને ત્રણ અને કૉંગ્રેસ, તૃણમૂલ, સમાજવાદી પક્ષ અને જેએમએમને એક-એક બેઠક મળી હતી.
ભાજપના ઉમેદવારે ઉત્તરાખંડની બાગેશ્ર્વર બેઠક અને ત્રિપુરાની ધાનપુરની બેઠક પોતાની પાસે જાળવી રાખી હતી, જ્યારે ઇશાનના રાજ્યમાંની બોક્સાનગર બેઠક માર્ક્સવાદી પાર્ટી પાસેથી આંચકી લીધી હતી.
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ધુપગુડી બેઠક તૃણમૂલ કૉંગ્રેસે જીતી લીધી હતી.
ભાજપે ત્રિપુરાની બેઠક પરના વિજય બાદ દાવો કર્યો હતો કે ઇશાનના આ રાજ્યમાં સામ્યવાદીઓના વર્ચસ્વનો અંત આવ્યો છે.
ઇશાન ભારત માટેના ભાજપના ઇન્ચાર્જ સંવિત પાત્રાએ જણાવ્યું હતું કે ઘમંડી વિપક્ષોનો આ પેટાચૂંટણીમાં પરાજય થતાં તેઓને મોટો ફટકો પડ્યો છે.
ઝારખંડમાં જેએએમએ ડુમરીની બેઠક પોતાની પાસે જાળવી રાખી હતી, જ્યારે ઉત્તર પ્રદેશની ઘોસીની બેઠક સમાજવાદી પક્ષે જીતી હતી.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૨૮ વિપક્ષે ભાજપને હરાવવા માટે યુતિ કરી છે.
વિધાનસભાઓની સાત બેઠકની પેટાચૂંટણી પાંચ સપ્ટેમ્બરે યોજાઇ હતી.
કૉંગ્રેસ – યુડીએફની યુતિએ કેરળમાં પુટુપલ્લીની બેઠક પોતાની પાસે જાળવી રાખી હતી. કૉંગ્રેસના ચાંડી ઓમેને શાસક એલડીએફના ઉમેદવારને હરાવ્યો હતો, જ્યારે ભાજપનો ઉમેદવાર ત્રીજો રહ્યો હતો.
ઝારખંડ મુક્તિ મોરચાનાં બેબી દેવીએ ગિરિદિહ જિલ્લાની ડુમરી બેઠક પરથી એજેએસયુનાં ઉમેદવાર યશોદા દેવીને હરાવ્યા હતા. બેબી દેવી ઝારખંડના ભૂતપૂર્વ પ્રધાન જગન્નાથ મહતોના પત્ની છે.
તૃણમૂલ કૉંગ્રેસના ધુપગુડીના ઉમેદવાર નિર્મલચંદ્ર રોય કૉલેજના પ્રાધ્યાપક છે. તેમણે ભાજપનાં ઉમેદવાર તાપસી રોયને ૪,૩૧૩ મતના તફાવતથી હરાવ્યા હતા. માર્ક્સવાદી પક્ષના ઉમેદવાર ઇશ્ર્વરચંદ્ર રોયને કૉંગ્રેસે ટેકો આપ્યો હતો. તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા.
ત્રિપુરાની બોક્સાનગર બેઠક ભાજપના તફાજ્જલ હુસેને જીતી હતી. આ મતવિસ્તારમાંના મતદારોમાં અંદાજે ૬૬ ટકા લઘુમતી કોમના છે. માર્ક્સવાદી પક્ષના ઉમેદવાર મિઝાન હુસેનનો પરાજય થયો હતો.
માર્ક્સવાદી વિધાનસભ્ય સામસુલ હકના મૃત્યુને કારણે બોક્સાનગરની બેઠક માટે પેટાચૂંટણી યોજાઇ હતી. (એજન્સી)