મધ્ય પ્રદેશમાં ફરી ભાજપની સરકારઃ એક લાખના મતથી શિવરાજ સિંહ જીત્યા
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ભાજપ 120 સીટ પર વિજય થયો છે, જ્યારે 44 બેઠક પર આગળ ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ 35 સીટ જીતી છે, જ્યારે 30 બેઠક પર આગળ ચાલી રહી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ પોતાની સરકાર બનાવવા માટે આગળ છે, કારણ કે બહુમતનો આંકડો પાર કરી લીધો છે.
મુખ્ય પ્રધાન અને બુધનીના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ આ વખત ફરી કિંગમેકરની ભૂમિકામાં જંગી મતથી જીત્યા હતા. કોંગ્રેસના વિક્રમ મસ્તાલને 1,04,974 વોટના અંતરથી હરાવ્યા હતા. શિવરાજ સિંહને 1,64,951 મત મળ્યા હતા. 2006થી સીએમ શિવરાજ સિંહ ચૂંટણી જીતતા આવ્યા છે. એના અગાઉ 2006માં બુધનીની પેટા ચૂંટણીમાં શિવરાજ સિંહે જીત્યા હતા. શિવરાજ સિંહ 2008, 2013, 2018 અને 2023માં બુધની વિધાનસભાની સીટ પરથી જીત્યા છે. તેમની સામે અગિયાર ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં છ વિપક્ષના ઉમેદવાર મેદાનમાં હતા.
કોંગ્રેસ આ વખતે ફિલ્મ અભિનેતા વિક્રમ મસ્તાલને મેદાનમાં ઉતારીને શિવરાજ સિંહની ચિંતામાં વધારો કર્યો હતો, પરંતુ તેમની વિવિધ યોજનાઓની લોકપ્રિયતાએ તેમને જીત અપાવી હતી. મધ્ય પ્રદેશના ચાર વખત મુખ્ય પ્રધાન બનેલા શિવરાજ સિંહ ચૌહાણની આ યોજનાએ મહિલા મતદાતાઓને સૌથી વધારે આકર્ષિત કર્યા હતા, જે ભાજપ માટે લાભદાયી સાબિત થઈ છે.
શિવરાજ સિંહ ચૌહાણની આ યોજના હેઠળ મધ્ય પ્રદેશની 1.31 કરોડ મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપવામાં આવતા હતા. આ યોજનાના લાભાર્થી તરફથી મળેલા વોટથી શિવરાજ સિંહ ચૌહાણે જીત પર મહોર મારી છે. શિવરાજ સિંહ ચૌહાણે ચૂંટણી પ્રચારસભામાં પોતાની આ યોજનાનો પ્રચાર કરવાની સાથે પોતાના 18 વર્ષમાં કરવામાં આવેલા દરેક કામોને પણ ગણાવ્યા હતા.
દરમિયાન મધ્ય પ્રદેશમાં ભાજપને બહુમતી મળ્યા પછી કમલનાથે કહ્યું હતું કે અમે લોકતંત્રની આ લડાઈમાં મધ્ય પ્રદેશના મતદારોના નિર્ણયનો સ્વીકાર કરીએ છીએ. હું ભાજપને અભિનંદન આપું છું અને તેમણે જે સમર્થન આપ્યું છે, તેનાથી મધ્ય પ્રદેશમાં ભાજપને સત્તા મળશે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બહુમતીથી વિજય મેળવવાની નજીક પહોંચી ગઈ છે. એમપીમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિરોધી પાર્ટીઓના જીતવાના સપનાને તોડી નાખ્યા છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં પ્રચારસભા અને રેલીની કમાન સાંભળી હતી એવું કહેવું ખોટું નથી.
વિધાનસભા ચૂંટણીમાં 230માંથી અત્યાર સુધીમાં 164 વિધાનસભા સીટ મેળવી છે. આ ચૂંટણીમાં શિવરાજ સિંહ ચૌહાણની લાડલી બહેન યોજના ભાજપ માટે સફળ સાબિત થઈ છે. ભાજપ તરફથી હજી સુધી મુખ્ય પ્રધાન કોણ બનશે તેની જાહેરાત કરી નથી, પણ એમપીની ચૂંટણીમાં કોંગ્રેસના કમલનાથ સામે ભાજપના શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતા કારગર સાબિત થઈ હોવાનું ચિત્ર આજના પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે.