દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પાછળ ભાજપને ગુજરાતમાં હારનો ડર; આપના આક્ષેપ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈના દરોડા આમ આદમી પાર્ટીએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વિદેશી ભંડોળ કેસમાં દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા અંગે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે દુર્ગેશ પાઠક સામે CBI દ્વારા દાખલ કરાયેલો કેસ સંપૂર્ણપણે રાજકીય કારણોસર છે.
10 વર્ષથી કરી રહ્યા છે તપાસ….
આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આ લોકો 10 વર્ષથી FCRA કેસની તપાસ કરી રહ્યા છે પરંતુ આજ સુધી કંઈ મળ્યું નથી. તેઓ 5 હજાર રૂપિયાનો વ્યવહાર શોધી રહ્યા છે, તો તેઓ ભાજપ દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા કરવામાં આવેલા 5 હજાર કરોડના ભ્રષ્ટાચારની તપાસ કેમ નથી કરતા? પાર્ટીએ આરોપ મુકતા કહ્યું હતું કે દુર્ગેશ પાઠકને ગુજરાતના સહ-પ્રભારી બનાવ્યા બાદ ભાજપ આ સમગ્ર મુદ્દો ઉભો કરીને અને દરોડા પાડીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તૈયારીઓથી ભાજપ ચિંતિત છે. આમ આદમી પાર્ટી ડરવાની નથી.
આ પણ વાંચો: દેશભરમાં 350 કરોડ રૂપિયાના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડનો ખુલાસોઃ અનેક સ્થળોએ CBIના દરોડા
ગુજરાતના સહ-પ્રભારી બનાવાયા એટલે દરોડા
સાંસદ સંજય સિંહે દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આ દરોડાને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. સંજય સિંહે જણાવ્યું કે દુર્ગેશ પાઠકને ગુજરાતના સહ-પ્રભારી બનાવાયા છે. તેઓ ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. એટલા માટે તેમના ઘરે આ દરોડો પાડવામાં આવ્યો છે. ભાજપ દ્વારા અગાઉ પણ આવા પગલાં લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં ભાજપને હારનો ડર
તેમણે કહ્યું હતું કે સાંસદોથી લઈને ધારાસભ્યો સુધી બધા સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. દબાણ બનાવવા માટે દિલ્હીથી પંજાબ સુધી દરોડા પાડવામાં આવ્યા, પરંતુ AAP દરેક પરિસ્થિતિમાં તેમની સામે લડતી રહી. સંજય સિંહે કહ્યું કે ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં AAPને 14 ટકા મત મળ્યા હતા. ગુજરાત વિધાનસભામાં તેમના ધારાસભ્યો છે. દુર્ગેશ પાઠકે આગામી વિધાનસભા પેટા ચૂંટણી માટે ત્યાં સભાઓ શરૂ કરતાં જ તેમના પર દબાણ લાવવા માટે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભાજપને હારનો ડર છે, તેથી સીબીઆઈએ દુર્ગેશ પાઠકને ડરાવવાના ઈરાદાથી દરોડા પાડ્યા છે.