લોકસભા ચૂંટણી 2024: બંધારણ બદલવાની વાત કરનારા સંસદસભ્યની ટિકિટ ભાજપે કાપી
અનંતકુમાર હેગડે કર્ણાટકમાંથી છ વખત સંસદસભ્ય રહ્યા છે

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં એનડીએની 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય લઈને મેદાનમાં ઉતરેલી ભાજપે એક આશ્ચર્યજનક પગલું લેતાં 28 વર્ષમાં છ વખત સંસદસભ્ય રહેલા પીઢ નેતા અનંતકુમાર હેગડેની ટિકિટ કાપી નાખી છે. હેગડે દ્વારા બંધારણને બદલવા બાબતે જે નિવેદન કરવામાં આવ્યું હતું તે જ તેમની ટિકિટ કાપવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. પાર્ટી પોતાના બધા જ નેતાઓને સંદેશ આપવા માગે છે કે વગર વિચાર્યે નિવેદન કરીને મોવડીમંડળને સંકટમાં મૂકી દેનારા લોકોને પાર્ટી ‘સજા’ આપશે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી સંગ્રામ 2024ઃ DMKએ ઢંઢેરો બહાર પાડ્યો, NEET નાબુદ કરવાનું વચન આપ્યું
ઉત્તર-કન્નડ બેઠક પરથી છ વખત સંસદસભ્ય બનેલા અનંતકુમાર સળંગ ચાર ટર્મથી સંસદસભ્ય છે. તેમણે એવું નિવેદન કર્યું હતું કે બંધારણને બદલવાનું ભાજપનું લક્ષ્ય છે અને તેને સાધ્ય કરવા માટે 400થી વધુ બેઠકો જીતવા માગીએ છીએ. તેમણે એવું પણ કહ્યું હતું કે કૉંગ્રેસે બંધારણમાં ઘણી અનાવશ્યક વસ્તુઓ સામેલ કરીને બંધારણનું મૂળ રૂપ વિકૃત કરી નાખ્યું છે અને તેની પાછળ એક જ હેતુ હતો કે દેશમાં હિંદુઓને દબાવવામાં આવે. આ બધું સાફ કરવા માટે ભાજપને 400થી વધુ બેઠકો મળે તે આવશ્યક છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: હિમાચલના નવ માજી વિધાનસભ્યો ભાજપમાં જોડાયા
વિપક્ષને આ નિવેદન પછી ટીકા કરવાનો ઘણો મોટો મોકો મળી ગયો હતો અને ભારે વિવાદ બાદ ભાજપે આ નિવેદન પક્ષનું નહીં, અનંતકુમારનું વ્યક્તિગત હોવાનું કહીને બચાવ કર્યો હતો. હવે અનંતકુમારની ટિકિટ કાપીને છ વખત વિધાનસભ્ય રહેલા વિશ્વનાથ કાગેરીને મેદાનમાં ઉતાર્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે અનંતકુમાર પહેલાં ફાયરબ્રાન્ડ નેતા પ્રજ્ઞાસિંહ ઠાકુર અને દિલ્હીના સંસદભ્ય રમેશ બિધુડી તેમ જ પ્રવેશ સાહિબસિંહ વર્માની પણ ટિકિટ કાપી નાખવામાં આવી છે. સાર્વજનિક જીવનમાં મર્યાદા જાળવી રાખવા પર ભાર મૂકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત પાર્ટીની બેઠકોમાં નેતાઓને વિવાદાસ્પદ નિવેદનો આપવાથી દૂર રહેવાની સલાહ આપી ચૂક્યા છે.