9 રાજ્યસભા બેઠકો પર ભાજપે ઉતાર્યા ઉમેદવારો : પક્ષપલટૂઓને મળ્યું સ્થાન
નવી દિલ્હી: આગામી સમયમાં યોજાનાર રાજ્યસભા ખાલી થનારી બેઠકોની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આઠ રાજ્યોની 9 રાજ્યસભા બેઠકોને માટે યાદી જાહેર કરી છે. કિરણ ચૌધરીને હરિયાણાથી અને રવનીત બિટ્ટુને રાજસ્થાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આગામી 3 સપ્ટેમ્બરના રોજ દેશના નવ રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજવાની છે. ચૂંટણી પંચે પોતાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ત્યારબાદ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ અખબારી યાદી જાહેર કરીને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ અલગ અલગ રાજ્યોમાં થનાર રાજ્યસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ પર સ્વીકૃતિની મહોર લગાવી છે.
આ પણ વાંચો : મહિલા સુરક્ષા મામલે મમતા સરકારને ઘેરતી ભાજપના આ વિધાનસભ્યએ યુવતી પાસે કરી આવી અભદ્ર માગણી…
કોના નામની થઈ જાહેરાત:
આસામથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારથી મનન કુમાર મિશ્રા, હરિયાણાથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશથી જોર્જ કુરિયન, મહારાષ્ટ્રથી ધૈર્યશીલ પાટિલ, ઓરિસ્સાથી મમતા મોહંતા, રાજસ્થાનથી સરદાર રવનીત સિંહ બિટ્ટુ અને ત્રિપુરાથી રાજીવ ભટ્ટાચાર્જીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવનીત સિંહ બિટ્ટુ પંજાબથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. હવે પાર્ટી તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં રવનીત સિંહ બિટ્ટુએ પણ શપઠ ગ્રહણ કર્યા હતા.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने विभिन्न राज्यों में होने वाले आगामी राज्यसभा के उप-चुनाव हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/0TFtIv3t9c
— BJP (@BJP4India) August 20, 2024
કયા રાજ્યમાં કેટલી બેઠકો ખાલી?
મહારાષ્ટ્રમાં, બિહારમાં અને આસામમાં 2-2 બેઠકો ખાલી પડી છે. જ્યારે ત્રિપુરા, હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને તેલંગણામાં એક-એક બેઠક ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો પૈકી 12 માંથી 10 એવી બેઠકો છે કે જે લોકસભાની ચૂંટણી લડવા બાદ ખાલી થઈ છે. જ્યારે ઓરિસ્સા અને તેલંગણામાં રાજયસભાના સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપીને અન્ય પાર્ટી સાથે જોડાયા બાદ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
ઓડિશામાં બીજુ જનતા દળ (BJD)ના સાંસદ મમતા મોહંતાએ નવીન પટનાયકનો સાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધા બાદ સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેલંગાણામાં કેશવ રાવ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા આથી તેમણે રાજ્યસભાનું સભ્યપદ છોડી દીધું.