‘દેશની દીકરીઓ હારી ગઈ’, ભાજપે બ્રિજ ભૂષણના દીકરાને ટીકીટ આપતા સાક્ષી મલિક આઘાત વ્યક્ત કર્યો
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી(BJP)એ ઉત્તર પ્રદેશના કૈસરગંજ(Kaiserganj)લોકસભા બેઠક પર કરણ ભૂષણ સિંહ(Karan Bhushan Singh)ને ઉમેદવાર જાહેર કર્યો છે. કરણ ભૂષણ છ વખતના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો દીકરો છે, બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સના જાતીય શોષણના આરોપ છે. ભાજપે ઉમેદવારની જાહેરાત કાર્ય બાદ ભારતના ટોચના રેસલર્સ ભાજપની ટીકા કરી રહ્યા છે.
રિયો ઓલિમ્પિક્સની ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર સાક્ષી મલિકે આઘાત વ્યક્ત કરતા X પર લખ્યું કે “ભારતની દીકરીઓ હારી ગઈ, બ્રિજ ભૂષણ જીતી ગયો. અમે બધાએ અમારી કારકિર્દી દાવ પર લગાવી, રોડ પર દિવસો વિતાવ્યા. બ્રિજ ભૂષણની હજુ ધરપકડ થઈ નથી. અમે ફક્ત ન્યાયની માંગણી કરી રહ્યા છીએ. પરંતુ ધરપકડની વાત છોડો, તેના દીકરાને ટિકિટ મળી છે, આ નિર્ણયે ભારતની કરોડો દીકરીઓના આત્માને તોડી નાખ્યો છે.”
સાક્ષી મલિકે લખ્યું કે, “ટિકિટ પરિવારમાં રહી ગઈ છે. એક માણસ સામે સરકાર આટલી લાચાર કેમ છે? તમારે ફક્ત ભગવાન રામના નામ પર મત જોઈએ છે, તેમના પગલે ચાલવાનું શું?”
ગયા વર્ષે બ્રિજ ભૂષણના સહયોગી સંજય સિંહ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ની ચૂંટણી જીત્યા પછી રેસલિંગ છોડવાની જાહેરાત કરી હતી. બ્રિજભૂષણ શરણ સિંહ સામે વ્યાપેલા વિરોધ બાદ, બ્રિજ ભૂષણના નાના દીકરા કરણને ફેબ્રુઆરીમાં મહિનામાં ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયો હતો.
ALSO READ: કુસ્તી મહાસંઘને બરખાસ્ત કરવાના નિર્ણય વિશે ઉદ્ધવે મોદી સરકાર પર કર્યા આ પ્રહાર
મલિકની માતા સુદેશે કહ્યું. “મારી દીકરીએ વિરોધમાં કુસ્તી છોડી દીધી. બજરંગ અને વિનેશે નારાજગીમાં તેમનું રાષ્ટ્રીય સન્માન પરત કર્યું. તે બધું વેળફાઈ ગયું લાગે છે.”
જૂન 2023 માં, દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સામે મહિલા રેસલર્સની જાતીય સતામણીના આરોપસર ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354D, 345A હેઠળ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. હાલમાં આ કેસની સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહી છે. આગામી સુનાવણી 7 મેના રોજ થવાની છે.
ભૂતપૂર્વ ફ્રીસ્ટાઇલ રેસલર જિતેન્દ્ર કુમારે કહ્યું કે “પીઠમાં છરો મારવામાં આવ્યો છે.”
ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા અને કુસ્તીબાજોના વિરોધના મુખ્ય ચહેરાઓમાંના એક, બજરંગ પુનિયાએ આ પગલાને “દેશની કમનસીબી” ગણાવી હતી.