તેલંગાણાના ગોશામહલના ધારાસભ્ય ટી. રાજા સિંહનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું, જાણો સમગ્ર મામલો…

હૈદરાબાદ: ભાજપના કેન્દ્રીય નેતુત્વને પડકાર ફેંકીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપનાર તેલંગાણાના ગોશામહલના ધારાસભ્ય અને કટ્ટર હિન્દુત્વવાદી ટી. રાજા સિંહનું રાજીનામું પક્ષે સ્વીકારી લીધું છે. તેમણે 30 જૂન 2025ના રોજ તેલંગાણા ભાજપ પ્રમુખ તરીકે એન. રામચંદ્ર રાવની નિમણૂકનો વિરોધ કર્યો હતો. તેમણે રાજીનામામાં પાર્ટી નેતૃત્વ પર કાર્યકરોની અવગણના કરવાનો અને ખોટી નેતાગીરી પસંદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પ્રદેશ પ્રમુખની પસંદગી અંગે પાર્ટીની રણનીતિ સાથે અસંમતિ વ્યક્ત કરી હતી, જોકે તેમણે હિન્દુત્વ વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
રાજા સિંહ કટ્ટર હિન્દુત્વવાદીની છબી
તેલંગાણાના ગોશામહલના ધારાસભ્ય રાજા સિંહ કટ્ટર હિન્દુત્વવાદી નેતા તરીકે જાણીતા છે. તેઓ ગાય સંરક્ષણ અને હિન્દુ સમુદાયના મુદ્દાઓને જોરશોરથી ઉઠાવતા રહ્યા છે. તેઓ બજરંગ દળ અને શ્રી રામ યુવા સેના જેવા હિન્દુત્વ સંગઠનો સાથે પણ જોડાયેલા રહ્યા છે. રાજા સિંહ તેમના ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે.
2023 ની ચૂંટણી પહેલા તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું
તેમણે થોડા વર્ષો પહેલા તેમની મોહમ્મદ પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના પછી ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ વર્ષ 2023 ની ચૂંટણી પહેલા તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. તેમની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાંથી કેટલાક સાંપ્રદાયિક ગુનાઓ સાથે સંબંધિત છે.
ટી. રાજા સિંહ ગોશામહલથી વર્ષ 2014 થી સતત ધારાસભ્ય
તેલંગાણાના ગોશામહલના ધારાસભ્ય ટી રાજા સિંહ જેમને ‘ટાઈગર રાજા સિંહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ તેલંગાણાના ગોશામહલ વિધાનસભા મતવિસ્તારથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રાજા સિંહ વર્ષ 2014, 2018 અને 2023 તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ગોશામહલ બેઠક જીતી હતી. તેમાં પણ વર્ષ 2018 માં જ્યારે મોટાભાગના ભાજપના ઉમેદવારો હારી ગયા હતા. ત્યારે તેમણે પોતાની બેઠક જાળવી રાખી હતી. આ બેઠક હિન્દુ પ્રભુત્વ ધરાવતી છે અને હૈદરાબાદની લોકસભા બેઠક હેઠળ આવે છે. જ્યાં એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસી સાંસદ છે. તેમની જીતમાં હિન્દુ મતોનું ધ્રુવીકરણ મહત્વપૂર્ણ રહ્યું છે.