ભાજપને પાંચ તબક્કામાં 310 બેઠક મળી ગઈ છે: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)
સંબલપુર (ઓડિશા): લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થયા એટલામાં ભાજપે 310 બેઠકો જીતી લીધી છે એવો દાવો કરતાં ભારતના ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે ઓડિશાના લોકોને અપીલ કરી હતી કે ઓડિશાને બાબુ-રાજમાંથી મુક્તિ આપો અને ભાજપને કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સરકાર બનાવવાની તક આપો.
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન માટેની પ્રચાર રેલીને સંબોધતાં સંબલપુરમાં અમિત શાહે કહ્યું હતું કે આ વખતે ઓડિશામાં કમળ ખીલશે. મતદાનના પાંચમાં તબક્કા બાદ ભાજપને 310 બેઠકો મળી ચૂકી છે. છઠ્ઠા અને સાતમા તબક્કાના મતદાન બાદ અમે 400 પાર થઈ જશું, એવો દાવો પણ તેમણે કર્યો હતો.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે અત્યારે રાજ્યમાં કેટલાક મુઠીભર અધિકારીઓનું શાસન ચાલી રહ્યું છે. આ ચૂંટણી બાદ રાજ્યમાં બાબુ રાજ સમાપ્ત થઈ જશે.
શાહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બીજેડી સરકાર ઓડિશાના ગૌરવ, ભાષા, સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરી રહી છે. ભાજપ સત્તામાં આવશે તો યુવાન, ઊર્જાવાન, મહેનતુ અને ગતિશીલ ઓડિયા ભૂમિપુત્રને મુખ્ય પ્રધાન પદ પર વિરાજમાન કરવામાં આવશે.
આ પણ વાંચો : અમિત શાહના નિવેદન પર ભડક્યા Arvind Kejriwal, પૂછ્યું શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની ?
નવીન બાબુ ઓડિશા પર બાબુશાહી લાદી રહ્યા છે અને તેઓ ઓડિયા લોકોના ગૌરવ અને સન્માનને હાની પહોંચાડી રહ્યા છે. તેઓ રાજ્યમાં સંસ્કૃતિ અને ગૌરવનું ગળું ઘોંટી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યમાં ભાજપની સરકાર લાવીને ઝડપી વિકાસની સાથે જ ઓડિયા સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાની ખાતરી આપતાં તેમણે કહ્યું હતું કે ભાજપ સત્તામાં આવશે તો ઉત્કલ ભૂમિ પર એક ભૂમિપુત્ર શાસન કરશે કોઈ તામિલ બાબુ નહીં. (પીટીઆઈ)