બિટકોઇન કૌભાંડ: સીબીઆઈની દેશવ્યાપી તપાસ
મુંબઈ: કથિત સ્વરૂપે ઍપ આધારિત છેતરામણી યોજના હેઠળ રોકાણકારોને નવરાવી નાખનાર મુંબઈની બે પ્રાઈવેટ કંપની શિગુ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને લીલીયન ટેકનોકેબ પ્રાઇવેટ લિમિટેડ તેમજ તેના ડિરેક્ટરો સહિત 10 રાજ્યના 30 સ્થળે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
એજન્સીના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર કથિત સ્વરૂપની બિટકોઇન માઇનિંગ સ્કીમમાં એચપીઝેડ ટોકન ઍપ દ્વારા રોકાણકારોને કથિત સ્વરૂપે ફસાવી તેમને બહુ ઊંચા વળતરના વચન આપવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા કંપનીઓ તેમજ તેના ડિરેક્ટરો સામે ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી, કલમ 419 અને કલમ 420 હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.
તપાસમાં એજન્સીને અનેક ડિજિટલ પુરાવા હાથ લાગ્યા છે જેમાં મોબાઈલ ફોન, સિમ કાર્ડ, એટીએમ/ડેબિટ કાર્ડ, ઇમેઇલ એકાઉન્ટ અને ડોક્યુમેન્ટનો સમાવેશ છે. સીબીઆઈ તપાસમાં આરોપીઓએ રોકાણકારો પાસેથી પૈસા એકઠા કરવા 150 બેન્ક એકાઉન્ટ ઉપયોગમાં લીધા હોવાની જાણ થઈ હતી.