નેશનલસ્પોર્ટસ

પાકિસ્તાનની બેઈમાનીને કારણે ભડક્યા હતા બિશન સિંહ બેદી અને આ નિર્ણય લીધો હતો

નવી દિલ્હીઃ ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે ઈન્ડિયન ક્રિકેટ ટીમ માટે સૌથી આઘાતજનક સમાચાર આજે જાણવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને લિજન્ડ લેફ્ટ આર્મ સ્પિનર બિશન સિંહ બેદીનું નિધન થયું છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીની અલવિદાને કારણે ક્રિકેટજગતના દિગ્ગજોની સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સહિત ગૃહ પ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો હતો.

બિશન સિંહ બેદીને તેમની રમતની સાથે યાદ રાખવામાં આવે છે, પરંતુ પાકિસ્તાન સાથેની એક મેચના કિસ્સાને કારણે આજે પણ લોકોને એ કિસ્સો યાદ છે. 1960-70ના દાયકામાં તો વિરોધી ટીમના બેટરની ઊંઘ હરામ કરી નાખી હતી. બિશન સિંહ બેદીની ક્રિકેટની કારકિર્દી 12 વર્ષની રહી હતી, જેમાં તેમની આક્રમકતા અને ગુસ્સાને કારણે મોટા મોટા નિર્ણયો લીધા હતા, જેને કારણે વિવાદમાં રહ્યા હતા, જ્યારે ટીકા પણ થઈ હતી. એક મેચ વખત પાકિસ્તાનની બેઈમાનીને કારણે ગુસ્સે થઈ ગયા હતા કે મેચની વચ્ચે ખેલાડીઓને મેદાનમાંથી પાછા બોલાવી દીધા હતા.

ઈન્ટરનેશનલ ક્રિકેટનું આ પહેલું ઉદાહરણ હતું, જેમાં પાકિસ્તાનના બોલર અને અમ્યાયરની બેઈમાનીને કારણે ભારતીય ટીમના સુકાનીએ સામેની ટીમને ગુસ્સામાં જીત આપી દીધી હતી. વન-ડેના મુકાબલામાં એ વખતે ભારતને જીત માટે 14 બોલમાં 23 રન જોઈતા હતા અને આઠ વિકેટ હતી. ત્રીજી નવેમ્બર 1978માં પાકિસ્તાનના શાહિવાલના જફર અલી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રમાઈ હતી. અમ્પાયરિંગ જાવેદ અખ્તર અને ખિજર કરી રહ્યા હતા એટલે પાકિસ્તાનના 11 ખેલાડી સિવાય બંને અમ્પાયર પણ પાકિસ્તાનના હતા.

40 ઓવરની મેચમાં પહેલા બેટિંગમાં આવેલી પાકિસ્તાને સાત વિકેટે 205 રન કર્યા હતા. સુનીલ ગાવસ્કરની ગેરહાજરીમાં ચેતન ચૌહાન અને અંશુમન ગાયકવાડે બંનેએ 44 રન કર્યા હતા. ચેતન ચૌહાનની 23 રન વિકેટ પડ્યા પછી અમરનાથે 63 રન કરતા ભારતનો 163 રનનો સ્કોર કરીને ભારતને જીતની નજીક પહોંચાડ્યું હતું.

ગાયકવાડની સાથે ગુંડપ્પા વિશ્વનાથ ક્રીઝ પર હતા. 38મી ઓવર ચાલુ થઈ અને જીત માટે ફક્ત ભારતને 23 રન જોઈતા હતા. પાકિસ્તાનના કેપ્ટન મુશ્તાક મહોમ્મદ પરેશાન હતો. સરફરાજ નવાજ બોલિંગ કરવા લાગ્યો અને એ દિવસ પાકિસ્તાનની બેઈમાની માટે નવો ઇતિહાસ લખાયો હતો. સરફરાજ નવાજે એ ઓવરમાં ચાર બાઉન્સર ફેંક્યા, પરંતુ અમ્પાયરે તેમાંથી એક પણ વાઈડ આપ્યો નહોતો.

એ જ વખતે ગુસ્સે થયેલા બેદીએ પાકિસ્તાનને જીત આપી. લાચાર બેટ્સમેનને જોઈને બેદીએ પેવેલિયનમાંથી બેટરને પાછા આવવાનો ઈશારો કર્યો હતો અને આ મેચ નહીં રમવાનો સંકેત આપી દીધો હતો. પાકિસ્તાનને વિજેતા જાહેર કરી દીધું હતું. 2-1થી સિરીઝ જીતીને પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે ખુશ કરી દીધી હતી.

આ પછી પાકિસ્તાનના કેપ્ટન ભારતીય ડ્રેસિંગ રૂમની અંદર આવ્યા હતા અને બેદીને ગાયકવાડ અને વિશ્વનાથને બેટિંગ માટે મોકલવાનું કહ્યું હતું, પરંતુ બેદીએ આગળ મેચ રમવાની ધરાર ના પાડી હતી. અમ્પાયરે પણ બેદીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માન્યા નહોતા. આખરે યજમાન ટીમને તે મેચની વિજેતા જાહેર કરવામાં આવી અને પાકિસ્તાને 2-1થી શ્રેણી જીતી લીધી. પાકિસ્તાન આ મેચ જીતી શક્યું નહોતું, તેને વિજયનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, કારણ કે ભારતે આગળ રમવાની ના પાડી દીધી હતી.

બેદીએ 1969-70માં કોલકાતા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગમાં 98 રન આપીને સાત વિકેટ લીધી હતી. એક ઇનિંગ્સમાં આ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. 1977-78માં પર્થના મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે 194 રનમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેણે 1976માં કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં પોતાની એકમાત્ર અડધી સદી ફટકારી હતી.

બિશન સિંહ બેદીને પણ ભારતીય ટીમની કેપ્ટનશિપની તક મળી હતી. તેમને 1976માં આ જવાબદારી સોંપવામાં આવી હતી. મહાન ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની જગ્યાએ બેદીને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. કેપ્ટન તરીકે તેમની પ્રથમ જીત 1976ના પ્રવાસમાં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મળી હતી. આ પછી ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં 3-2થી અને પાકિસ્તાન પ્રવાસ પરની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હાર્યા બાદ તેમને કેપ્ટનપદેથી હટાવવામાં આવ્યા હતા. તેમના પછી સુનીલ ગાવસ્કર કેપ્ટન બન્યા હતા.

તેમણે ભારત માટે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ લીધી હતી. તેમણે 15 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી અને એક વખત મેચમાં 10 વિકેટ પણ લીધી હતી. તેમણે 10 વન-ડે મેચમાં સાત વિકેટ ઝડપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button