
નવી દિલ્હીઃ વધતી વસ્તીને નિયંત્રણમાં લેવા તેમ જ ન જોઈતી પ્રેગનન્સીને ટાળવા માટે મહિલાઓ માટે મેડિસિન ઉપલબ્ધ છે. કોન્ડોમનો ઉપયોગ હજુ પણ જોઈએ તેટલો થતો નથી અને નસબંધી તો ઘણા ઓછા પ્રમાણમાં પુરુષો કરાવે છે તેથી આઈ-પિલ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બદલતા સમય સાથે સેક્સલાઈફ વિશેની માનસિકતા બદલાઈ છે અને પ્રિ-મેરિટલ અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે ગર્ભાવસ્થા ટાળવા માટે પુરુષો માટે પણ આવી એક મેડિસિનની જરૂરિયાત ઊભી થઈ છે અને આ માટે ઘણા સમયથી પ્રયોગો થઈ રહ્યા હતા, પરંતુ તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર પુરુષો માટેની બર્થ કન્ટ્રોલિંગ પિલ્સનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે.
કોમ્યુનિકેશન્સ મેડિસિન જર્નલમાં પ્રસારિત થયેલા અહેવાલો અનુસાર પુરુષો પહેલા ઉંદરો અને અન્ય પ્રાણીઓ પર પણ આ દવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તે સફળ રહ્યો હતો ત્યારબાદ 16 પુરુષ પર આ પરિક્ષણ થયું હતું, જે સફળ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ગોળીનું નામ YCT-529 છે. આ દવા કોલંબિયા યુનિવર્સિટી અને યોરચોઈસ થેરાપ્યુટિક્સ નામની કંપની દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.
આપણ વાંચો: ITR Filling કરનારાઓ માટે આવી ગયા મહત્ત્વના સમાચાર…
કંપનીના દાવા અનુસાર જે 16 પુરુષ પર આ પરિક્ષણ થયું તેમનામાં કોઈને અન્ય કોઈ શારીરિક તકલીફો ઊભી થઈ નથી. હૃદયના ધબકારા વધવા, હોર્મોનલ ફેરફારો થવા, જાતીય વૃતિ અને ક્ષમતામાં ફરેફાર થવો વગેરે જેવા કોઈપણ આડઅસર કહી શકાય તેવા લક્ષણો દેખાયા નથી. કંપનીના કહેવા અનુસાર મર્યાદિત લોકો પર પરિક્ષણ સફળ રહ્યું છે, હવે તેઓ મોટી સંખ્યામાં પુરુષો પર આ પ્રયોગ કરશે. આ દવા કઈ રીતે કામ કરશે તે અંગે કંપનીએ જણાવ્યું છે કે આ મેડિસિન લીધા બાદ અમુક ચોક્કસ સંકેતો મળશે અને શુક્રાણુનું ઉત્પાદન હંગામી ધોરણે બંધ થશે. આપણા શરીરમાં રેટિનોઇક એસિડ રીસેપ્ટર આલ્ફા નામનું પ્રોટીન હોય છે. તે શરીરમાં શુક્રાણુ ઉત્પન્ન કરે છે. આ દવા થોડા સમય માટે આ પ્રોટીનને બંધ કરે છે, જેના કારણે શરીરમાં શુક્રાણુનું ઉત્પાદન થોડા સમય માટે બંધ થઈ જાય છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે જેવી ઉંદરોને આ દવા આપવાનું બંધ કર્યું, તેમના શરીરમાં થોડા જ સમયમાં ફરી શુક્રાણુઓ પેદા થવાનું શરૂ થયું હતું.
જોકે હજુ આ દવાએ ઘણા પરિક્ષણોમાંથી પસાર થવાનું છે અને ત્યારબાદ જ બજારમાં આવી શકશે. આ પ્રકારની આ પહેલી દવા બની રહેશે.