નેશનલ

ઑક્ટોબરથી સરકારી સેવાઓ માટે બર્થ સર્ટિફિકેટ સર્વમાન્ય દસ્તાવેજ

નવી દિલ્હી: નવા સુધારિત કાયદાને કારણે બર્થ સર્ટિફિકેટ ઑક્ટોબર મહિનાથી સરકારી સેવાઓ, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા, ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા, આધાર કાર્ડ તેમ જ પાસપોર્ટની અરજી કરવા અને લગ્નની નોંધણી સહિતના અનેક કામ માટે સર્વમાન્ય દસ્તાવેજ ગણાશે.
ગયા ચોમાસુ સત્રમાં સંસદે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ૧૧ ઑગસ્ટે રજિસ્ટ્રેશન ઑફ બર્થ્સ ઍન્ડ ડૅથ્સ (અમેન્ડમેન્ટ ઍક્ટ) ૨૦૨૩ને મંજૂરી આપી હતી.
રજિસ્ટ્રેશન ઑફ બર્થ્સ ઍન્ડ ડૅથ્સ (અમેન્ડમેન્ટ ઍક્ટ) ૨૦૨૩ની કલમ (૧)ની પેટાકલમ (૨) દ્વારા અપાયેલી સત્તાનો અમલ કરવા કેન્દ્ર સરકાર પહેલી ઑક્ટોબર ૨૦૨૩ મુકરર કરે છે, એમ રજિસ્ટ્રાર જનરલ ઍન્ડ સેન્સસ કમિશનર મૃત્યુંજયકુમાર નારાયણ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું.
આ કાયદો વ્યક્તિના જન્મ તેમ જ જન્મસ્થળના પુરાવા તરીકે એકમાત્ર બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે.
આ કાયદાને કારણે બર્થ સર્ટિફિકેટ પહેલી ઑક્ટોબરથી સરકારી સેવાઓ, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા, ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા, આધાર કાર્ડ તેમ જ પાસપોર્ટની અરજી કરવા, લગ્નની નોંધણી કરવા તેમ જ કેન્દ્ર કે રાજ્ય સરકારની
સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક
સંસ્થાઓ તેમ જ જાહેરક્ષેત્રની કંપનીમાં નિમણૂક સહિતના અનેક કામ માટે સર્વમાન્ય દસ્તાવેજ ગણાશે.
આ બાબત રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે જન્મ અને મૃત્યુની નોંધણીનો ડૅટાબેઝ ઊભો કરવામાં મદદરૂપ થશે, જેને કારણે જાહેરસેવા, સામાજિક લાભ અને ડિજિટલ રજિસ્ટ્રેશનમાં અસરકારકતા અને પારદર્શિતા લાવવાનું સરળ બનશે.
આ કાયદાને કારણે પાસપોર્ટ, આધારકાર્ડ જારી કરવાનું તેમ જ જનતાની સગવડ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી અન્ય કોઈપણ યોજના માટે જન્મ અને જન્મસ્થળના પુરાવા તરીકે વિવિધ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર નહીં પડે.
દત્તક, ત્યજાયેલા, અનાથ, શરણે આવેલા, સરોગેટ તેમ જ સિંગલ કે અપરણિત વ્યક્તિના બાળકનાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને પણ આ કાયદો પ્રોત્સાહન આપે છે અને મૃત્યુનું કારણ જણાવતું પ્રમાણપત્ર રજિસ્ટ્રારને પૂરું પાડવાનું અને તેની નકલ સંબંધિત વ્યક્તિના નજીકના સંબંધીને આપવાનું તમામ તબીબી સંસ્થાઓ માટે ફરજિયાત બનાવે છે.
મહામારી કે કુદરતી આફતના સમયમાં મૃત્યુની નોંધણી ઝડપી બનાવવા અને મૃત્યુનું પ્રમાણપત્ર ઝડપથી આપવા તેમ જ જન્મની નોંધણી માટે માહિતી આપનાર તેમ જ માતાપિતાનો આધાર નંબર મેળવવા આ કાયદો સ્પે. રજિસ્ટ્રારની નિમણૂક કરવાની સત્તા આપે છે.
આ કાયદો લોકોની સમસ્યાનું ઝડપી નિરાકારણ લાવવામાં તેમ જ કાયદા અંતર્ગત સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપશે.
કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં કહ્યું હતું કે મૂળ કાયદો અમલમાં આવ્યો ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં નહોતો આવ્યો, પરંતુ બદલાતી સામાજિક પરિસ્થિતિ અને ટૅક્નોલોજીના અત્યાધુનિકિકરણ બાદ આ કાયદાને વધુ મિત્રતાપૂર્ણ બનાવવા તેમાં ફેરફાર કરવાનું જરૂરી બન્યું છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
…તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs…