બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું નિધન, PM મોદી અને CM સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી…
રાંચી: ઝારખંડના મહાન આદિવાસી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું આજે શુક્રવારે અવસાન (Mangal Munda Passed away) થયું હતું. 45 વર્ષીય મંગલ મુંડા રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ખુંટી તામર રોડ પર રૂતાડીહ ગામ પાસે સોમવારે સાંજે તમને અકસ્માત નડ્યો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન હેમંત સોરેને મંગલ મુંડાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં અને પરિવારજનો સાથે વાત કરી. વડા પ્રધાન નરેદ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચો : મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ યાત્રા દરમિયાન આગ ફાટી નીકળી, 50 દાઝ્યાં, 12ની હાલત ગંભીર
વાહન પલટી જતાં ઈજા પહોંચી:
અહેવાલ મુજબ મંગલ મુંડા ટાટા મેજિક મીની ટ્રકના પાછળના ભાગ પર સવાર થઈને તેમના ગામ ઉલિહાટુ જઈ રહ્યા હતાં, ત્યારે વાહન કાબુ બહાર જઈને પલટી ગયું હતું. આ અકસ્માતમાં મંગલ મુંડાને ગંભીર ઈજાઓ થઈ હતી. ખુંટીમાં પ્રાથમિક સારવાર માટે તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS) માં રિફર કરવામાં આવ્યા હતાં.
જ્યારે સીએમ હેમંત સોરેનને માહિતી મળી ત્યારે તેઓ તરત જ રિમ્સ પહોંચ્યા અને સારી સારવારનો આદેશ આપ્યો. શપથ ગ્રહણ કરતા પહેલા જ તેણે રિમ્સના ડાયરેક્ટરને પુરતી સારવાર આપવા માટે કહ્યું હતું. જો જરૂર પડે તો તેમને દિલ્હી મોકલવા પણ આદેશ આપ્યા હતાં.
વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું:
મંગલ મુંડાના નિધન પર શોક વ્યક્ત કરતા વડા પ્રધાન મોદીએ X પર લખ્યું કે, ‘ભગવાન બિરસા મુંડા જીના વંશજ મંગલ મુંડા જીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેમનું નિધન માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ ઝારખંડના આદિવાસી સમાજ માટે પણ એક પૂરી ના થાય એવી ખોટ છે. ભગવાન તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે. ઓમ શાંતિ!’
કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ:
RIMS મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટએ જણાવ્યું હતું કે, ‘મંગલ મુંડાનું રાત્રે લગભગ 12.30 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. ગંભીર રીતે ઘાયલ મંગલ મુંડાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અમે તેમને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા. મંગલ મુંડાને મંગળવારે ખુંટી સદર હોસ્પિટલમાંથી રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા.’
આ પણ વાંચો : સંભલમાં આજે શુક્રવારની નમાજ, વહીવટીતંત્ર એલર્ટ પર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
CM હેમંત સોરેન શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા:
મુખ્ય પ્રધાન હેમંત સોરેન તેમના પત્ની અને વિધાનસભ્ય કલ્પના સોરેન સાથે બુધવારે રિમ્સ ગયા હતા અને મંગલ મુંડાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને મંગલ મુંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓ મંગલ મુંડાના અંતિમ દર્શન કરવા પણ પહોંચ્યા હતા.
રિમ્સના ડોકટરોના જણાવ્યા મુજબ, મંગલ મુંડાને મગજમાં ગંભીર ઈજા થઈ હતી અને મગજની બંને બાજુ લોહી ગંઠાઈ ગયું હતું.