નેશનલ

ચંડીગઢને લઈને શિયાળુ સત્રમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ શા માટે છે વિવાદનું કેન્દ્ર?

ચંડીગઢ: કેન્દ્ર સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં બંધારણનો ૧૩૧મો સુધારો વિધેયક રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ પગલાનો હેતુ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢને બંધારણના અનુચ્છેદ ૨૪૦ હેઠળ લાવવાનો છે. લોકસભા સચિવાલયના બુલેટિન અનુસાર, આ સુધારો ચંડીગઢના વહીવટને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ના સ્તર પર લાવવાનો લક્ષ્ય ધરાવે છે. આ સુધારાને કારણે ચંડીગઢ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ જેવા બિન-વિધાનસભા ધરાવતા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો સમાન બની જશે.

વર્તમાનમાં, પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંડીગઢનો વહીવટ પંજાબના રાજ્યપાલ દ્વારા સંભાળવામાં આવે છે. જોકે, અનુચ્છેદ ૨૪૦ હેઠળ આવતા તમામ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વતંત્ર પ્રશાસક હોય છે. આ બદલાવ ચંડીગઢને એક સ્વતંત્ર પ્રશાસક આપવાની સંભાવના ઊભી કરશે. બંધારણનો અનુચ્છેદ ૨૪૦ ભારતના રાષ્ટ્રપતિને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશો માટે સીધા નિયમો બનાવવાનો અધિકાર આપે છે. આ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બનાવવામાં આવેલા કોઈપણ નિયમમાં સંસદ દ્વારા બનાવેલા કોઈપણ અધિનિયમને રદ કરવાની અથવા સુધારવાની શક્તિ હોય છે અને તેને સંસદના અધિનિયમ સમાન કાનૂની બળ અને અસર પ્રાપ્ત થાય છે.

કેન્દ્ર સરકારનું આ પગલું પંજાબ અને હરિયાણા બંને રાજ્યો માટે અત્યંત સંવેદનશીલ રાજકીય મુદ્દો છે, કારણ કે બંને ચંડીગઢ પર પોતાનો સંપૂર્ણ દાવો કરે છે. આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ વિક્રમજીત સિંહ સાહની અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સહિતના નેતાઓએ આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો છે. ભગવંત માને જણાવ્યું છે કે ચંડીગઢ હંમેશા પંજાબનું અભિન્ન અંગ રહેશે. વિરોધ કરનારા નેતાઓ માને છે કે આ સંશોધન પંજાબના ઐતિહાસિક અને વહીવટી નિયંત્રણને સમાપ્ત કરવા, રાજ્યના સંઘીય અધિકારો પર હુમલો કરવા અને પંજાબને તેની રાજધાનીથી દૂર કરવાની એક મોટી ‘ષડયંત્ર’ છે.

આપણ વાંચો:  ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્રે ઓર્કેસ્ટ્રા સાથે કરી ઓપરેશન સિંદુરની સરખામણી, કહ્યું દરેકે તાલથી તાલ પુરાવ્યો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button