નેશનલ

બેંક ખાતામાં ચાર નોમિની ઉમેરવાની મંજૂરી આપતું બિલ લોકસભામાં પાસ

નવી દિલ્હીઃ લોકસભાએ મંગળવારે (03 ડિસેમ્બર) બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ પસાર કર્યું હતું. આ બિલને મોદી સરકાર હેઠળ બેંકિંગ સેવાઓના સંચાલન અને વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

મંગળવારે લોકસભામાં પસાર થયેલા બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024ની જોગવાઇ મુજબ હવે એક વ્યક્તિ પોતાના બેંક ખાતામાં ચાર લોકોને નોમિની બનાવી શકશે. ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં પરંતુ બેંકોમાં રાખવામાં આવેલા લોકર્સ અથવા અન્ય બેંકિંગ સુવિધાઓ માટે પણ ચાર જણને નોમિનેટ કરી શકશે. એટલું જ નહીં, બેંક ખાતાધારક એ પણ નક્કી કરી શકે છે કે તેણે નોમિનેટ કરેલા લોકોને કેટલો શેર આપવો.

આ ફેરફાર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃતક ખાતાધારકના ખાતામાં રહેલી રકમ, જેના પર કોઈ દાવો કરવામાં આવ્યો નથી, તે યોગ્ય વારસદાર સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઉપરાંત સહકારી બેંકોના ચેરમેન અને હોલ ટાઈમ ડાયરેક્ટર સિવાયના ડિરેક્ટરનો કાર્યકાળ આઠથી દસ વર્ષનો કરવામાં આવશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલનો ઉદ્દેશ્ય દેશની બેંકિંગ સિસ્ટમમાં શાસનને મજબૂત કરવાનો અને સામાન્ય ગ્રાહકોને સારી સેવા આપવાનો છે. આ બિલમાં બેંકોના મેનેજમેન્ટને સત્તા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. બેંકિંગ એમેન્ડમેન્ટ બિલમાં વૈધાનિક ઓડિટર્સનું મહેનતાણું નક્કી કરવામાં બેંકોને વધુ સ્વતંત્રતા આપવાની જોગવાઈ પણ છે.

નવા સુધારા બાદ હવે બેંકો દર શુક્રવારના બદલે દર પખવાડિયાના છેલ્લા દિવસે રિઝર્વ બેંકને તેમના રિપોર્ટ સબમિટ કરશે. હવે જો સાત વર્ષ સુધી કોઈ ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન હોય તો તેને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં મોકલવામાં આવશે અને ખાતાધારક રોકાણકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળમાંથી રકમના રિફંડનો દાવો કરી શકે છે.

Also Read – ખેડૂતોના મુદ્દે ઉપરાષ્ટ્રપતિના કેન્દ્ર સરકાર સામે સવાલ; કયા ગયા વચનો?

નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈ 2024માં બજેટ દરમિયાન આ બિલ લાવવાની જાહેરાત કરી હતી. આ દ્વારા સરકારે RBI એક્ટ 1934, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, SBI એક્ટ 1955, બેન્કિંગ કંપની એક્ટ 1970-1980ની ઘણી જોગવાઈઓમાં એક સાથે સુધારો કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button