Bilkis bano case: 3 દોષિતોએ સરેન્ડરની મુદત વધારવા અરજી દાખલ કરી, આ દિવસે થશે સુનાવણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો કેસના તમામ 11 દોષિતોને સરેન્ડર કરવા માટે 22મી જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો, આ મુદત વધરવા માટે ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણો સર સમયની છૂટ માંગી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી સંભાળવા તૈયારી બતાવી છે.
વરિષ્ઠ વકીલ વી ચિતામ્બરેશે અરજીમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ત્રણેય અરજદારો પાસે 21 જાન્યુઆરીએ સરેન્ડર કરવાની ડેડ લાઈન પહેલા ત્રણ દિવસનો સમય જ બચ્યો છે. જસ્ટિસ બી.વી. નાગરથનાએ રજિસ્ટ્રીને ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પાસેથી બેન્ચની રચના કરવા માટે આદેશ મેળવવાનો નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે અરજીઓ અંગે સુનાવણી થશે.
તેમની અરજીમાં ત્રણેય દોષિતોએ કૌટુંબિક લગ્નો અને લણણીની મોસમમાં માતાપિતાની મદદ જેવા કારણો આપ્યા હતા. ગોવિંદ નાઈએ કોર્ટ પાસે 4 અઠવાડિયાના એક્સટેન્શનની માંગણી કરી છે જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ 6 અઠવાડિયાના એક્સટેન્શનની માંગ કરી છે. આ ગુનેગારોએ અંગત કારણો ટાંક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરથનાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે ચુકાદામાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.
2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો દરમિયાન ટોળાએ દાહોદમાં બિલ્કીસ બાનો અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. ટોળાએ બિલ્કીસની ૩ વર્ષની દીકરી સહીત તેના પરિવારના 7 સભ્યોની નિર્મમ હત્યા કરી નાખી, ત્યાર બાદ બિલ્કીસ બાનો પર ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલ્કીસ 5 મહિનાની ગર્ભવતી હતી.
સીબીઆઈ કોર્ટે આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આમાંના એક દોષિતે ગુજરાત હાઈકોર્ટમાં માફીની નીતિ હેઠળ તેને મુક્ત કરવાની માંગણી કરીને અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.
આ પછી દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. મે 2022માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ પછી, ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણ પર ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા.
15મી ઓગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારે જસવંત નાયી, ગોવિંદ નાયી, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપીનચંદ્ર જોષી, કેસરભાઈ વહોણીયા, પ્રદીપ મોરદહિયા, બકાભાઈ વહોણીયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાને મુક્ત કર્યા હતા. એટલું જ નહીં વિશ્વ હિંદુ પરિષદે બળાત્કારીઓ અને હત્યારાઓનું ફૂલહાર પહેરાવી સ્વાગત પણ કર્યું હતું.
દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય સામે જાગૃત નાગરીકોએ અરજી દાખલ કરી હતી. ગત 8મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા દોષિતોની મુક્તિનો નિર્ણય રદ કર્યો છે.