Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના દોષિતે SCમાં રીવ્યુ પીટીશન દાખલ કરી, કોર્ટ સમક્ષ કરી આ માંગણી

નવી દિલ્હી: બિલકિસ બાનો કેસના 11 દોષિતોમાંના એકે સુપ્રીમ કોર્ટના 8 જાન્યુઆરીના નિર્ણય સામે અરજી દાખલ કરી છે. ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસના 11 દોષિતોની સમય પહેલા મુક્તિ આપી દીધી હતી, જેને 8 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી. હવે આ કેસના એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે અને નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. દોષિત રમેશ ચંદનાએ દલીલ કરી છે કે સર્વોચ્ચ અદાલતે તેના 8 જાન્યુઆરીના ચુકાદામાં અન્ય બેંચના આદેશને ફગાવી દીધો હતો જે સ્વીકાર્ય નથી.
8 જાન્યુઆરીના ચુકાદામાં, જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે કહ્યું હતું કે બિલકિસ બાનો કેસમાં બળાત્કારના દોષિતોને ગુજરાત સરકારની નહીં પણ મહારાષ્ટ્રની પોલિસી લાગુ પડે છે. કોર્ટે કહ્યું હતું કે ગુજરાત રાજ્યને આ કેસમાં બળાત્કારના દોષિતોને મુક્ત કરવાનો કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 11 દોષિતોએ આત્મસમર્પણ કર્યું હતું.
અગાઉ, ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે અને સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓને દૂર કરવાની વિનંતી કરી છે.
નોંધનીય છે કે આ કેસ 20૦2 ગુજરાત કોમી રમખાણો વખતનો છે. એ સમયે 21 વર્ષની બિલ્કીસ બાનો પર 11 શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો અને તેના પરિવારના 7 સભ્યોની નિર્મમ હત્યા કરી હતી, એ સમયે બિલ્કીસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. માર્યા ગયેલા પરિવારજનોમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં 11 શખ્સો દોષિત ઠર્યા હતાં, તમામ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ 15મી ઓગસ્ટ 2022ના દિવસે ગુજરાત સરકારે તમામ દોષિતોને છોડી મુક્યા હતા.