દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં બિહારી બાબુની થઇ એન્ટ્રી, કેજરીવાલ, સિસોદિયા, આતિશી માટે કરશે પ્રચાર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષ લોકોને રિઝવવામાં કોઇ કસર છોડવા નથી માગતો. એવામાં AAP પાર્ટીને સમર્થન પણ વધી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પ. બંગાળના તૃણમુલ કૉંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ પણ AAP પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે.
એમ જાણવા મળ્યું છે કે સમાજવાદી પાર્ટી તેના કેટલાક સાંસદો અથવા નેતાઓને AAP માટે પ્રચાર કરવા મોકલી શકે છે. TMC અને SP ઉપરાંત મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP (SP) એ પણ AAP ને ટેકો આપ્યો છે. તેઓ બધા માને છે કે કેજરીવાલની AAP પાર્ટી કોંગ્રેસ કરતાં દિલ્હીમાં ભાજપને હરાવવા માટે ઘણી સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે.
પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દિલ્હીમાં AAP માટે પ્રચાર કરવા માટે સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિંહાને ઉતારવાનો નિર્ણય લીધો છે. તૃણમુલ કૉંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીના રોજ નિર્ધારીત વિધાનસભાની ચૂંટણી માટે આસનસોલથી ટીએમસીના સાંસદ શત્રુધ્ન સિંહા પ્રચાર કરશે. શત્રુધ્ન સિંહા પહેલી અને બીજી ફેબ્રુઆરીના રોજ ત્રણ મતવિસ્તારોમાં AAP માટે પ્રચાર કરશે.
ટીએમસીના સાંસદ શત્રુધ્ન સિંહા જે ત્રણ મતવિસ્તારોમાં પ્રચાર કરશે તેમાં અરવિંદ કેજરીવાલની નવી દિલ્હીની બેઠક, મુખ્ય પ્રધાન આતિશીની કાલકાજી બેઠક અને મનીષ સિસોદિયાની જંગપુરા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં ભાજપ, AAP અને કૉંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કૉંગ્રેસ માટે તો આ અસ્તિત્વની લડાઇ છે. AAP માટે કિલ્લો ટકાવી રાખવાની અને ભાજપ માટે કિલ્લો જીતવાનો જંગ છે. AAP અને કૉંગ્રેસ ઇન્ડિ અલાયન્સનો ભાગ છે, પણ ટીએમસીએ દિલ્હી ચૂંટણીમાં AAPને સમર્થન આપીને સ્પષ્ટ કરી દીધું છે કે કૉંગ્રેસના તો વળતા પાણી છે અને તેમની માટે કૉંગ્રેસ કરતા AAP વધુ મહત્વનું છે.
આ પણ વાંચો…Bihar Election: ‘માઉન્ટેન મેન’ દશરથ માંઝીના દીકરા ભગીરથ માંઝી કોંગ્રેસમાં જોડાયા, JDUને ફટકો
દિલ્હીમાં પૂર્વાંચલના લોકોની નોંધપાત્ર હાજરી છે. TMCનું માનવું છે કે શત્રુધ્ન સિંહા દિલ્હીના પૂર્વાંચલી મતદારોને AAP તરફ આકર્ષિત કરી શકશે. શત્રુધ્ન સિંહા ભાજપના બે સ્ટાર પ્રચારક રવિકિશન અને મનોજ તિવારી સામે સ્પર્ધા કરશે. TMCના કેટલાક અન્ય નેતાઓ પણ પ્રચારમાં જોડાઇ શકે છે.
શત્રુધ્ન સિંહાનો AAP માટે પ્રચાર કરવો એ કૉંગ્રેસ માટે કડવો ઘૂંટ ગળવા સમાન છે. 2019માં રાહુલ ગાંધીએ શત્રુધ્ન સિંહાને ભાજપથી દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને તેમને પટના સાહિબ ખાતેથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, પણ તેઓ હારી ગયા હતા અને TMCમાં જોડાયા હતા.