બિહારમાં પછાત વર્ગના લોકો માટે અનામતનો ક્વૉટા વધારાશે
પટણા: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે રાજ્યમાં અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતનો વધુ લાભ આપવાની પોતાની ઇચ્છા મંગળવારે જાહેર કરી હતી અને રાજ્ય વિધાનસભાના ચાલુ સત્રમાં સંબંધિત ખરડો રજૂ કરવાની બાંયધરી આપી હતી.
બિહારમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાતિ પર આધારિત વસતિગણતરી કરાઇ હોવાથી અનામતનો ક્વૉટા વધવાની શક્યતા જણાતી હતી.
બિહારમાં આ વસતિગણતરી મુજબ રાજ્યમાં એક-તૃતીયાંશ લોકો ગરીબીની રેખા હેઠળ જીવે છે અને તેઓની માસિક આવક રૂપિયા છ હજાર કે તેનાથી ઓછી છે. રાજ્ય વિધાનસભામાં જાતિ પર આધારિત વસતિગણતરીનો અહેવાલ રજૂ કરાયો, તે પછી મુખ્ય પ્રધાને પછાત જાતિના લોકોને અનામતનો વધુ લાભ આપવાની ઇચ્છા વ્યક્ત કરી
હતી. બિહારમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને કુલ ૧૭ ટકા અનામતનો લાભ મળે છે, તે વધારીને ૨૨ ટકા કરવાની યોજના છે. આ ઉપરાંત, અન્ય પછાત વર્ગના લોકોને મળતો અનામતનો લાભ હાલના પચાસ ટકાથી વધારીને ૬૫ ટકા કરવા સરકાર પગલાં લેવાની છે.
નીતીશ કુમારે જણાવ્યું હતું કે બિહાર સરકાર રાજ્યના ૯૪ લાખ ગરીબ પરિવારોને આવકનું સાધન વધારવા માટે (કુટુંબ દીઠ) રૂપિયા બે લાખની મદદ કરશે.
બિહારમાં અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતનો વધુ લાભ અપાય, તો દેશના અન્ય રાજ્યોમાં પણ આવી માગણી થવાની પૂરી શક્યતા છે.
બિહારમાં માસિક રૂપિયા છ હજાર કે તેનાથી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરિવારોની ટકાવારી ૪૨ ટકા છે.
અગાઉ, કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે બિહારમાં વસતિગણતરીમાં મુસ્લિમો અને યાદવોેની જનસંખ્યાની ટકાવારી વધી હોવાનો દાવો ખોટો છે. (એજન્સી)