બિહારમાં એસઆઈઆર અમલ મુદ્દે સંસદમાં હંગામો, બંને ગૃહ સ્થગિત કરાયા

નવી દિલ્હી : બિહારમાં મતદાર યાદી મુદ્દે ચાલી રહેલા વિવાદ મુદ્દે વિપક્ષે આજે સંસદ શરુ થતા જ હંગામો કર્યો હતો. જેના લીધે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી બે વાગ્યે સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા મુદ્દે નારેબાજી કરી હતી. તેમજ ઇન્ડિયા ગઠબંધન આજે મતદાર યાદી મુદ્દે ચૂંટણી પંચની ઓફીસ સુધી માર્ચ પણ કરવાનું છે.
બિહારના લોકોનો મુદ્દો નથી
આ અંગે જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, એસઆઈઆરનો અમલ બિહારમાં કરવામાં આવી રહ્યો છે. આ બિહારના લોકોનો મુદ્દો નથી તો પછી વિપક્ષ કેમ હંગામો કરી રહ્યું છે. બિહારના લોકો ચૂંટણી પંચના આ કામથી ખુશ છે.
ભાજપ સંવિધાનને સમાપ્ત કરવા માંગે છે
જયારે સપા સાંસદ અવધેશ પ્રસાદે ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને ચૂંટણી પંચના કાર્યાલય સુધી માર્ચ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું આ માર્ચ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે લોકતંત્ર ખતરામાં છે. ભાજપની વર્તમાન સરકાર લોકતંત્રને સમાપ્ત કરવા માંગે છે. ભાજપ બાબા સાહેબના આંબેડકરના સંવિધાનને સમાપ્ત કરવા માંગે છે.
ઇન્ડિયા ગઠબંધન આજે ચૂંટણી પંચની ઓફીસ સુધી માર્ચ કરશે
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભારતના ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણી દરમિયાન ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ડેટાને આધારે પ્રેઝન્ટેશન રજુ કરીને લોકસભા ચૂંટણી 2024માં વોટ ચોરીના આરોપ લગાવ્યા હતાં. આ મામલે કાર્યવાહીની માંગ સાથે 25 વિપક્ષી દળોના 300 થી વધુ સાંસદો આજે સંસદ ભવનથી ચૂંટણી પંચના હેડ ક્વાટર સુધી માર્ચ કરશે.આ દરમિયાન બિહારમાં મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા અંગે પણ વિરોધ નોંધાવવામાં આવશે.
ચૂંટણી પંચનું કાર્યાલય સંસદ ભવનથી માત્ર 2 કિમીના અંતરે છે. દિલ્હી પોલીસે સાંસદોની માર્ચને મંજૂરી નથી આપી. એવા પણ અહેવાલ છે પોલીસ પાસે મંજુરી માટે સત્તાવાર અરજી પણ કરવામાં નથી આવી.
આપણ વાંચો: બિહારના ડેપ્યુટી CM પાસે છે બે-બે ચૂંટણી કાર્ડ? ચૂંટણી પંચે નોટીસ ફટકારી જવાબ માંગ્યો